નાયબ કલેકટર -1, પ્રાંત અધિકારી મોરબી અને જિલ્લા પુરવઠા અધિકારીને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂકમોરબી : આગામી સમયમાં નવરચિત મોરબી મહાનગર પાલિકાની ચૂંટણી યોજાનાર હોય રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મોરબી સહિત રાજ્યની 15 મહાનગર પાલિકાના ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જે અન્વયે મોરબી કોર્પોરેશનની ચૂંટણી માટે 3 આરઓ અને 3 એઆરઓની નિમણૂક કરવામાં આવી છે.મોરબી મહાનગર પાલિકાની પ્રથમ ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યની 15 મહાનગર પાલિકાના ચૂંટણી અધિકારી એટલે કે આરઓ અને મદદનીશ ચૂંટણી અધિકારી એટલે કે એઆરઓની નિમણૂક કરતા હુકમ કર્યા છે. જેમાં શહેરના કુલ 13 વોર્ડ પૈકી 1થી 4 વોર્ડ માટે નાયબ કલેકટર મોરબી -1ને ચૂંટણી અધિકારી તરીકે અને જિલ્લા ઉદ્યોગકેન્દ્રના જનરલ મેનેજરને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.જ્યારે શહેરના વોર્ડ નંબર 5,6,7,8,અને 9 માટે પ્રાંત અધિકારી મોરબીને ચૂંટણી અધિકારી અને મોરબી શહેર મામલતદારને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મૂકી વોર્ડ નંબર 10,11,12 અને 13 માટે જિલ્લા પુરવઠા અધિકારીને ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.