રફાળેશ્વર સહિત અનેક સ્થળોએ કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતો માટે પાંચમના પુણ્ય અર્પણ કરાયા વાઘપરામાં સતવારા સમાજ દ્વારા કોરોના દિવંગતો માટે વિષ્ણુયાગ મોરબી : કોરોના મહામારીની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુને ભેટ્યા હોય આજે ઋષિપંચમીએ તેની સ્પષ્ટ અસર જોવા મળી હતી અને બજારોમાં લોકોની પાંખી હાજરી વચ્ચે મોટાભાગના લોકોએ રખ પાંચમ રહ્યા બાદ આજે પિતૃ મોક્ષાર્થે પુણ્ય અર્પણ કર્યા હતા. મોરબીના ભૂદેવોના માટે આજના દિવસે મોરબીમાં અલગ-અલગ દોઢસોથી પોણા બસ્સો સ્થળોએ પિતૃ મોક્ષાર્થે છાબડી કરપાવવાની વિધિ થઈ હતી તો વાઘપરા સતવારા સમાજ દ્વારા કોરોનામાં મૃત્યુ પામનાર દિવંગતો માટે વિષ્ણુયાગ પણ કરવામાં આવ્યો હતો. મોરબી શહેરની બજારોમાં આજે ઋષિપંચમી-સામાપાંચમે લોકોની અવર - જવરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જેની પાછળનું મુખ્ય કારણ આજે ઋષિપંચમી નિમિતે યોજાયેલ પિતૃકાર્ય અને પુણ્ય અર્પણ કરવાની વિધિ કારણભૂત રહી હતી.મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યાના જણાવ્યા મુજબ પિતૃ મોક્ષાર્થે તમામ હિન્દૂ પરિવારોમાં પાંચમ રહેવાની પરમ્પરા રહેલી છે અને ભાદરવા સુદ પાંચમ કે જેને ઋષિ પંચમી અને સામાપાંચમ પણ કહેવામાં આવે છે. આજના દિવસે મૃત્યુ પામેલા સ્વજનો પાછળ પંચમીનું પુણ્ય આપવાની સાથે છાબડી કરપાવવાની વિધિ પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની બીજી લહેરમાં મોરબી સહિત રાજ્યભરમાં મોટા પ્રમાણમાં લોકોએ સ્વજન ગુમાવ્યા હોય આજે દિવંગત સ્વજનો પાછળ ઋષિપંચમીનું પુણ્ય આપવા લોકો પારિવારિક ધાર્મિક વિધિમાં જોડાયા હોય બજારમાં લોકોની અવર-જવર ઘટી જવા પામી હતી. જ્યોતિષાચાર્ય જીગ્નેશભાઈના મતે આજના દિવસે મોરબી શહેરમાં દોઢસોથી પોણા બસ્સો જેટલા સ્થળોએ પિતૃ કાર્ય અને છાબડી કરપાવવાની વિધિ કરવામાં આવી હતી. ઉપરાંત રફાળેશ્વર ખાતે પણ આજના દિવસે 70 જેટલા પિતૃકાર્ય થયા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન મોરબીના વાઘપરા ખાતે સમસ્ત સતવારા સમાજ દ્વારા કોરોનામાં મૃત્યુ પામનાર સમસ્ત દિવંગતોના મોક્ષાર્થે શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યાના આચાર્યપદે વિષ્ણુયાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઋષિ પંચમી ઉપર અજાણતાં થયેલી ભૂલોની ક્ષમા માંગીને વ્રત કરવાનું હોય છે. આ દિવસે તમામ સ્ત્રી પુરુષો જાણતા-અજાણતાં થયેલી ભૂલો માટે સપ્ત ઋષિઓ માટે વ્રત કરીને તેમના આશીર્વાદ મેળવી શકે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..