છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરને કારણે મચ્છરો સહિતની જીવાતોનો ઉપદ્રવ વધતા આરોગ્ય જોખમાયાની સ્થાનિકોએ હૈયાવરાળ ઠાલવી : દરેક વખતની જેમ આજે પણ પાલિકા કચેરીમાં રજુઆત વખતે અધિકારી અને પદાધિકારી ગેરહાજર મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં તંત્રના પાપે ઉભરાતી ગટરની ગંદકીએ આડો આક વાળી દીધો છે. છેલ્લા ઘણા સમયથી માધાપર વિસ્તારમાં ગટરની ગંદકી ઓવરફ્લો થવાને કારણે મચ્છર સહિતની જીવતોનો ઉપદ્રવ વધતા સ્થાનિકોનું આરોગ્ય જોખમાય તેવી દહેશત હોવા છતાં તંત્ર નીંભર બની જતા સ્થાનિકો અકળાઈ ઉઠ્યા હતા અને આજે સ્થાનિકો પાલિકામાં રજુઆત કરવામાં દોડી ગયા હતા. પણ દરેક વખતની જેમ રજુઆત વખતે અધિકારી કે પદાધિકારી ગેરહાજર હોવાથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. મોરબીના માધાપર વિસ્તારમાં તંત્રની હદ બહારની બેદરકારીના કારણે ગટર ઉભરાવવાનો પ્રશ્ન અતિશય ગંભીર બનતા સ્થાનિક રહીશોનું આરોગ્ય જોખમમાં મુકાય જાય તેવી ગંભીર સ્થિતિ ઉદભવી છે. જેમાં માધાપર વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી ગટર ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે. જ્યારે માધાપર વિસ્તારની શેરી નંબર 12માં ગટર ઉભરાઈ રહી છે. જેમાં ખુલ્લી ભૂગર્ભ ગટરમાંથી સતત ગંદકી ઓવરફ્લો થયા કરે છે. ગટરની ગંદકી આખી શેરીમાં પથરાઈ ગઈ છે. ગટરની ગંદકીને કારણે મચ્છરો અને ઈયળોનો ત્રાસ વધ્યો છે. જેથી, શેરીમાં તો ઘરમાં પણ ન રહી શકાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ગટરની ગંદકીના કારણે સ્થાનિક રહીશો પર રોગચાળાનું મોટું જોખમ સર્જાયું છે. તેમ છતાં તંત્રની ઉંધ ન ઉડતા આજે સ્થાનિક રહીશો પાલિકા કચેરીમાં રજુઆત માટે દોડી ગયા હતા. પણ દરેક વખતની જેમ પાલિકા કચેરીમાં આજે પણ ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હતા. આથી, માધાપર વિસ્તારમાં ગટર ઉભરાવવાના ગંભીર પ્રશ્ને સ્થાનિકોએ પ્રમુખના પી.એ. ભાવેશભાઈ દોશીને રજુઆત કરી હતી અને ગટરની ગંદકીના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા હોવાનું જણાવીને સ્થાનિક રહીશોએ આ ગંભીર પ્રશ્ન ઉકેલવાની માંગ કરી હતી.