રીક્ષા ચાલક સાથે સમાધાન ન થતાં આખરે 8 દિવસ બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મહિલા મુસાફરે ફરિયાદ નોંધાવીમોરબી અપડેટ: મોરબી-નવલખી રોડ પર લુંટાવદર ગામના પાટીયા પાસે પૂરઝડપે જતી એક સીએનજી રીક્ષા પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રીક્ષામાં સવાર મહિલા મુસાફરને હાથના કાંડાના ભાગે ગંભીર ફ્રેક્ચર તેમજ અન્ય બે મહિલાઓ અને રીક્ષા ચાલકને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સમાધાનની વાતો ચાલતી હતી, જેમાં સમાધાન ન થતાં આખરે ભોગ બનનાર મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.રેલવે સ્ટેશનથી પીપળીયા જતી વખતે સર્જાયો અકસ્માત બનાવની વિગત મુજબ, મોરબીના મકનસર નવા પ્લોટ વિસ્તારમાં રહેતા અને ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવતા 49 વર્ષીય ચંચાબેન મોકનાથભાઈ ભાટી ગત તારીખ 24/08/2026 ના રોજ બપોરના સમયે મોરબી રેલવે સ્ટેશન ખાતે આવ્યા હતા. ત્યાં તેમના કાકાની દીકરીઓ ગજુબેન અને કનીબેન મળતા, ત્રણેય સીએનજી રીક્ષા નંબર GJ-36-W-5275 ની વચ્ચેની સીટમાં બેસીને પીપળીયા ચાર રસ્તા જવા નીકળ્યા હતા. દરમિયાન સાંજના આશરે 4:30 વાગ્યાના અરસામાં રીક્ષા લુંટાવદર ગામના પાટીયા પાસે પહોંચતા, ચાલકે રીક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી કાબૂ ગુમાવી દેતા રીક્ષા રોડ પર પલટી મારી ગઈ હતી.ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા, મહિલાનું ઓપરેશન કરાયું રીક્ષા પલટી મારી જતાં રીક્ષામાં સવાર ચંચાબેન, ગજુબેન, કનીબેન તેમજ રીક્ષા ચાલક નીચે રોડ પર પટકાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા. આસપાસના લોકો એકઠા થઈ જતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તમામને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચંચાબેનને જમણા હાથના કાંડાના ભાગે ગંભીર ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું. જ્યારે ગજુબેન અને કનીબેનને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ હતી તેમજ ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયો હતો. બાદમાં ચંચાબેનને વધુ સારવાર માટે વાંકાનેરની સાંઈ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તારીખ 25/08/2026 ના રોજ તેમના હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.સમાધાન ન થતાં આખરે પોલીસ ફરિયાદ અકસ્માત બાદ રીક્ષા ચાલક સાથે સમાધાન માટેની વાતચીત ચાલી રહી હોવાથી પરિવારે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. જોકે સમાધાન શક્ય ન બનતા આખરે તારીખ 01/09/2026 ના રોજ ચંચાબેને મોરબી તાલુકા પોલીસ મથકે પહોંચી રીક્ષા ચાલક સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. મોરબી તાલુકા પોલીસે સીએનજી રીક્ષા નંબર GJ-36-W-5275 ના ચાલક સામે બીએનએસ (BNS) કલમ 281, 125(a), 125(b) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. #Morbi #MorbiUpdate #MorbiNews #NavlakhiRoad #RickshawAccident #Luntavadar #AccidentNews #MorbiPolice #GujaratNews