પરપ્રાંતીય શ્રમિકને રિક્ષામાં બેસાડી 24 હજાર રૂપિયા સેરવી લીધા: શ્રમિકને ખબર પડતાં ધક્કો મારી રીક્ષા મારી મૂકી મોરબી: રીક્ષામાં પેસેન્જરોને બેસાડીને પૈસા સેરવી લેતી ગેંગનો થોડા સમય પહેલા પર્દાફાશ થયા બાદ આજે સોમવારે ફરી એકવાર એક પેસેન્જર લૂંટાયો હતો. જોકે પેસેન્જરને રિક્ષામાંથી ઉતરતા સમયે જાણ થઈ જતા રિક્ષાચાલક અને પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા અન્ય બે શખ્સો શ્રમિક પેસેન્જરને ધક્કો મારી નાસી છૂટયા હતા. પરપ્રાંતીય શ્રમિકે આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સર્વેલન્સ ટીમે નાસી છૂટેલી રિક્ષાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ઉપરોક્ત બનાવની પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી વિમલેશકુમાર લાલુપાલ ગડરીયા ઉંમર વર્ષ 21 તિરુપતિ પોલિટેક કારખાના પાસેથી બેંક ઓફ બરોડામાં પૈસા જમા કરાવવા માટે નીકળ્યા હતા. તેઓ જે રિક્ષામાં બેઠા હતા તે શકત સનાળા ગામે પહોંચતા અને પોતાના ઉતારવાનું સ્થળ આવતા વિમલેશકુમાર ગડરિયા રિક્ષામાંથી નીચે ઊતર્યો હતો. ત્યારે પોતાનું ખિસ્સું ચેક કરતા રિક્ષામાં બેસેલા અન્ય બે પેસેન્જરો પૈકી કોઈ એક શખ્સે રૂપિયા 24000 સેરવી લીધાનું તેને ધ્યાને આવ્યું હતું. આથી ફરીથી રિક્ષામાં ઘુસીને કદાચ પૈસા પડી ગયા હોય તેવું માનીને તેની શોધખોળ કરવા જતા રિક્ષાચાલક સહિતના બે શખ્સોએ તેને ધક્કો મારી રીક્ષા ભગાડી મુકી હતી. રૂપિયા ચોવીસ હજાર બેન્કમાં ભરવા માટે નીકળેલા શ્રમિક સાથે થયેલા આ બનાવની જાણ તેણે સત્વરે એ ડિવિઝન પોલીસ મથકમાં કરતા પોલીસે બનાવની ગંભીરતા સમજી સર્વેલન્સ ટીમે કામે લગાડી છે અને નાસી છૂટેલી રિક્ષાને ઝડપી પાડવાના પ્રયાસો આદર્યા છે. સમગ્ર બનાવની તપાસ એ ડિવિઝનના સર્વેલન્સ પી.એસ.આઇ વી.જી. જેઠવા તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મિયાત્રા ચલાવી રહ્યા છે.