વાંકાનેર નજીક અકસ્માતના કિસ્સામાં નામદાર અદાલતનો મહત્વનો ચુકાદો વાંકાનેર : વાંકાનેર - કોટડા નાયાણી રોડ ઉપર છ વર્ષ પૂર્વે રીક્ષા પલ્ટી મારી જતા એક યુવાનનું મૃત્યુ નિપજવા અને એક વ્યક્તિને ઇજા પહોંચવાના કિસ્સામાં નામદાર વાંકાનેર અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપી રીક્ષા ચાલક વિકલાંગ હોવા છતાં લાયસન્સ વગર બેફિકરાઈથી રીક્ષા ચાલવવાની ગંભીર નોંધ લઈ કેસમાં સમાધાન થવા છતાં એક વર્ષની કેદ અને રૂપિયા 5000નો દંડ ફટકાર્યો હતો. આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2016માં અજયભાઈ રતિભાઈ સોલંકી અને પરસોતમભાઇ સોલંકી કોટડા નાયાણી ગામેથી ઇકબાલ સલીમભાઇ ઠેબાની અતુલ શક્તિ રિક્ષામાં બેસી વાંકાનેર જતા હતા ત્યારે કોટડા નાયાણી અને વલાસણ ગામ વચ્ચે રીક્ષા પલ્ટી જતા ગંભીર ઇજા પામેલ અજયભાઈ રતિભાઈ સોલંકીનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેનો કેસ નામદાર વાંકાનેર અદાલતમાં ચાલી જતા અદાલતે તમામ આધાર, પુરાવા અને લેખિત મૌખિકે દલીલને અંતે મહત્વપૂર્ણ ચુકાદો આપી એક વર્ષની કેદ અને રૂપિયા 5000નો દંડ ફટકાર્યો હતો. વધુમાં આ કેસમાં નામદાર અદાલતે ગંભીર નોંધ લેતા નોંધ્યું હતું કે, રીક્ષા ચાલક ઇકબાલ સલીમભાઇ ઠેબા પોતે વિકલાંગ હોવાથી રીક્ષા ચલાવવા માટે લાયસન્સ ધરાવતા ન હતા અને આરટીઓના નિયમ મુજબ વિકલાંગ વ્યક્તિને લાયસન્સ મળી શકે તેમ ન હોવા છતાં તેઓએ રીક્ષા ચલાવી અન્યોની જિંદગી જોખમમાં મૂકી હતી. જો કે આ કેસમાં બન્ને પક્ષે સમાધાન થયું હોવા છતાં સમાજમાં દાખલો બેસે તે માટે નામદાર અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર સી.એલ.દરજી રોકાયા હતા.