પ્રમુખ સ્થાનેથી જે નામ નક્કી થયું તેને એક જ મત મળ્યો, પૂર્વ પ્રમુખે બહુમતીના જોરે પોતાની સમિતિ રચી નાખીટંકારા : ટંકારા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી ચેરમેનની વરણીને લઈને ભાજપમાં બળવો થયાની ઘટના સામે આવી છે. જેમાં પ્રમુખ સ્થાનેથી જે નામ નક્કી થયું તેને એક જ મત મળ્યો, જ્યારે પૂર્વ પ્રમુખે બહુમતીના જોરે પોતાની સમિતિ રચી નાખી હતી. ટંકારા તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી. અગાઉ પ્રમુખ - ઉપપ્રમુખ અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં નવા હોદેદારોની વરણી થઈ હતી. ત્યારબાદ આજની સભામાં પ્રમુખ સ્થાનેથી ચેરમેન તરીકે અલ્પેશભાઈ દલસાણીયા સહિત 5 નામો સાથે કારોબારી સમિતિ રજૂ થઈ હતી. જો કે તેને માત્ર 1 જ મત મળ્યો હતો. બીજી તરફ પૂર્વ પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાએ ચેરમેન પદે રહીને 6 સભ્યોની કારોબારી સમિતિ રજૂ કરતા તેને 11 મત મળ્યા હતા. જો કે આમાં કોગ્રેસનો પણ સહકાર મળતા રાજકારણમાં ગરમાયુ છે. આજની સભામાં 16 માથી 2 સભ્યો ગેર હાજર હતા. સ્થાનિક નેતાના તાલુકા પંચાયત ખાતે ધાડે ધાડાં ઊતરી પડ્યા હતા. કોગ્રેસના નેતા ચેતન ત્રિવેદી, વિપુલ કુંડારીયા સહિતનાએ મહિલા સમિતી માટે મતદાન કર્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે પ્રમુખ તરીકે સમિતી રજુ કરનારે પણ તટસ્થ રહી મત ન આપતા રાજકીય ગરમાવો જામ્યો હતો.