જિલ્લાના કુલ ૯૭ નાયબ મામલતદાર, ૫૫ રેવન્યુ તલાટી અને ૩૫ રેવન્યુ ક્લાર્ક ફરજથી અળગા રહેશેમોરબી : રાજ્યના મહેસુલી કર્મચારીઓ આવતીકાલના રોજ સમગ્ર રાજ્યમાં પોતાની પડતર માંગણીઓને લઈ એક દિવસના માસ સીએલ (પેનડાઉન) પર જવાના છે જે અનુસંધાને મોરબી જિલ્લા મહેસુલી મંડળ પણ આ માસ સીએલને સમર્થન આપી તેમાં જોડાવાનું છે. મોરબી જિલ્લાના કુલ ૯૭ નાયબ મામલતદાર, ૫૫ રેવન્યુ તલાટી અને ૩૫ રેવન્યુ ક્લાર્ક પેન ડાઉન કાર્યક્રમમાં સામેલ થવાના છે. આવતીકાલના રોજ સવારે 11:30 કલાકે જિલ્લાના તમામ રેવન્યુ કર્મચારીઓ તાલુકા સેવા સદન લાલબાગ મોરબી ખાતે એકત્રિત થશે. ઉલ્લેખનીય છે કે મહેસુલી કર્મચારી મંડળ દ્વારા પડતર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જેમાં 2012ના નાયબ મામલતદારોની પ્રવર્તા યાદી તૈયાર કરવી, જે કર્મચારીઓને સ્વવિનંતીથી જિલ્લા ફેર બદલી ની માંગણી કરેલ છે તે મંજુર કરવા, 2015ના ક્લાર્કને નાયબ મામલતદારનું પ્રમોશન આપવુ, રેવન્યુ તલાટીઓની પૂર્વ સેવા તાલીમની એક્ઝામનું રીઝલ્ટ ડિકલેર કરવું તેમજ વહેલી તકે એલ.આર. ક્યુ. એક્ઝામનું આયોજન કરવું, ફીડબેક ના આધારે જિલ્લા ટ્રાન્સફર કરેલ તમામ કર્મચારીઓની બદલી હુકમ રદ કરવા તેમજ આવા હુકમો કરતા પહેલા કલેક્ટરનો અભિપ્રાય લેવો તે સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે.