ખેડૂતોની ધારાસભ્ય બ્રિજેશ મેરજા સમક્ષ રજૂઆતના પગલે લેવાયેલ નિર્ણય મોરબી : કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરવામાં આવ્યા બાદ કોરોના હળવો બનતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા સમક્ષ ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે મોરબી અને માળિયામાં પુનઃ ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મોરબી અને માળીયા (મીં) ના જુદા – જુદા ગામના ખેડૂતોએ ધારાસભ્ય બ્રિજેશ મેરજા સમક્ષ રજૂઆત કરેલ કે લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી થતી હતી તે બંધ હોય ચોમાસા પહેલા ખેડૂતોના ઘરમાં પડેલ ઘઉંની ખરીદી પૂરી કરવી જરૂરી છે તેવી માંગણી થતાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખશ્રી મગનભાઈ વડાવિયાએ આ બંધ થયેલ ઘઉં ખરીદી કેન્દ્રો ખેડૂતોના હિતમાં ચાલુ કરવા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાડદિયા સમક્ષ ખેડૂતોની લાગણી પંહોચાડતા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત સાહસમાં ખેડૂતોના ઘઉં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧૯૭૫ ના ભાવે પ્રતિ હેક્ટર દિઠ ૨૮૯૪.૯૪ કિલો ગ્રામ ખરીદવા નિગમના નિયત કેન્દ્રો ઉપર ઘઉં ખરીદી ચાલુ કરાયેલ છે. મોરબી અને ટંકારા તાલુકાનાં ખેડૂતો માટે વિરપુર ખાતે પોલિપેકમાં ઘઉં ખરીદી કેન્દ્ર કાર્યરત થયું છે. નોંધણી થયેલા ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા તેની જાણ પણ કરવામાં આવી રહી છે. એ જ રીતે માળીયા (મીં) તાલુકાનાં ખેડૂતો માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ઉપર ઈ – ગ્રામ કેન્દ્ર કે નિગમન સમક્ષ કરેલ નોંધણીના આધારે ખેડૂતોના ઘઉં ખરીદવા તજવીજ હાથ ધરાયેલ છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદીની વ્યવસ્થા ઊભી કરાયેલ તે દરમિયાન કોરોનાનું સંક્રમણ વધી જતાં આ વ્યવસ્થા ઉપર રોક લગાવી દેવામાં આવેલ તે અંગે ગાંધીનગર નિગમના સત્તાવાળાઓ તેમજ પુરવઠા મંત્રી સમક્ષ ધારાસભ્યએ કરેલ રજૂઆત ખેડૂતોના હિતમાં ફળદાયી નીવડી છે અને આમ, ચોમાસા પહેલા ખેડૂતોના ઘરમાં પડેલ ઘઉં નિગમ દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીદાશે જેથી ખેડૂતોમાં સંતોષની લાગણી ઊભી થઈ છે.