એક સભ્યએ ઘરના અંગત કારણોસર અને બીજા સભ્યએ કામ ન થતા હોય કંટાળી રાજીનામુ ધર્યું મોરબી : કોંગ્રેસ શાસિત માળીયા મિયાણા નગરપાલિકાના ત્રણ સભ્યોએ અચાનક સ્વેચ્છાએ રાજીનામુ આપી દેતા આશ્ચર્ય સર્જાયું છે. પાલિકાના વોર્ડ નં.1 ના બે સભ્યો તેમજ વોર્ડ નંબર 6ના એક સભ્યએ રાજીનામુ આપી દીધું છે, જો કે, હજુ રાજીનામાં અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે એક સભ્યએ ઘરના અંગત કારણોસર અને બીજા સભ્યએ કામ ન થતા હોય કંટાળી રાજીનામુ ધર્યું હોવાનું જણાવ્યું હતું.માળીયા મિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર-1ના સભ્ય જેનાબેન કરીમ સંઘવાણી અને હારુનભાઈ એચ. સંઘવાણી તથા વોર્ડ નં 6ના સભ્ય ફરીદાબેન અનવર ખોડએ પાલિકા પ્રમુખને રાજીનામુ આપી દેતા ચકચાર જાગી છે. રાજીનામુ આપનાર હારુનભાઈએ જણાવ્યું હતું કે, અંગત કારણોસર રાજીનામુ ધર્યું છે, ઘરના કામ હોવાથી સમાજ સેવાના કાર્યો ન કરી શકતા હોવાની કારણે તેમના દ્વારા રાજીનામુ આપવામાં આવ્યું છે. જયારે ફરીદાબેને જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા કામ ન થતા હોવાથી તેમના દ્વારા રાજીનામુ આપવામાં આવ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં કચરાના ઢગલા છે. કોઈ કચરો લેવા આવતું નથી. તેમજ સાફ- સફાઈ પણ થતી નથી. જેના કારણે તેમના દ્વારા રાજીનામુ આપી દીધું છે.