રસ્તા મુદ્દે ધારાસભ્યની ઓફિસે થાળી-વેલણ સાથે વિરોધ અને એન્જિનિયરોનો ઘેરાવ કરાયો હતો મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલી વૈભવ લક્ષ્મી સોસાયટીના રસ્તાના પ્રશ્ને સ્થાનિક લોકોએ આજે ભારે વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ 2 કલાકથી વધુ સમય સુધી ચક્કાજામ કર્યો હતો અને ત્યારબાદ 1 કલાક સુધી ધારાસભ્યની ઓફિસે થાળી-વેલણ સાથે હંગામો મચાવ્યો હતો. જો કે તંત્ર દ્વારા ખાતરી મળતા ચક્કજામ હટી ગયો છે. સાથે જ રહીશોએ અધિકારીઓને ધારાસભ્યની ઓફિસથી લઈને સોસાયટીના રસ્તા સુધી કાદવ-કીચડવાળા રસ્તા પર ચલાવ્યા હતા જેથી તેઓને પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે.નેતાઓ અને અધિકારીઓ દોડી આવ્યા, રહીશોએ કાદવ-કીચડમાં ચલાવ્યાવિરોધને પગલે કોર્પોરેટરો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ, કોર્પોરેટર રવિ સનાવડા, અને એક મહિલા કોર્પોરેટરના પતિ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મહાનગરપાલિકાના એન્જિનિયરો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિક લોકો આ અધિકારીઓ અને નેતાઓને ધારાસભ્યની ઓફિસેથી ચાલતા પોતાની સોસાયટી સુધી લઈ ગયા હતા, અને રહીશોએ અધિકારીઓ અને કોર્પોરેટરના પતિને કાદવ અને પાણીના ખાબોચિયામાં ઊભા રાખીને પોતાની રોજિંદી હાલાકીનો અહેસાસ કરાવ્યો હતો. એન્જિનિયરોનો ઘેરાવ કરીને સોસાયટીની ખરાબ પરિસ્થિતિ દેખાડવામાં આવી હતી.15 દિવસમાં કામ શરૂ કરવાની ખાતરી, લોકોનું 8 દિવસનું અલ્ટીમેટમમહાનગરપાલિકાના એન્જિનિયરે જય માંકડીયા જણાવ્યું હતું કે વૈભવ લક્ષ્મીથી એન્જલ હાઇટ્સ સુધીના રોડનું કામ જનભાગીદારી યોજના હેઠળ લેવામાં આવ્યું છે. આ રોડનું ટેન્ડર હાલ લાઈવ છે અને આવતીકાલે ખુલશે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને 15 દિવસમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરવાની ખાતરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. જોકે, સ્થાનિક લોકો 24 કલાકમાં કામ શરૂ કરવાની માંગ પર અડગ હતા, જે અધિકારીઓના મતે હાલ અશક્ય છે.એક સ્થાનિક મહિલાએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 4 થી 5 વર્ષથી આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ખરાબ રસ્તાને કારણે લોકો રોજ પડી જાય છે. મહિલાઓએ સ્પષ્ટ અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે તેઓ તંત્રને 8 દિવસનો સમય આપે છે. જો 9મા દિવસે આરસીસી (RCC) રોડનું કામ શરૂ નહીં થાય તો તેઓ ફરીથી આ જ રીતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે અને આ તેમની છેલ્લી ચેતવણી છે.#MorbiUpdate #MorbiNews #RavaparRoad #RoadIssue #PublicProtest #MorbiCity #GujaratNews