પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાની મહાપાલિકા લેખિત ખાતરી નહી આપે ત્યાં સુધી કચેરીથી નહિ જવાની માંગ ઉપર સ્થાનિકો અડગ મોરબી : મોરબીમાં ચક્કાજામ જેવા જનઆંદોલનો તો અનેક થયા છે. પરંતુ આજે પ્રથમવાર અલગ પ્રકારનું જનઆંદોલન થયું છે. જેમાં ઋષભપાર્ક સોસાયટીના રહીશોએ પાણી પ્રશ્ને મહાપાલિકા કચેરીએ ધામાં નાખ્યા છે. જ્યાં સુધી લેખિત ખાતરી નહિ મળે ત્યાં સુધી તેઓ કચેરીએથી જશે નહિ તેવી જાહેરાત કરવામાં આવી છે.મોરબીની ઋષભ પાર્ક સોસાયટીના રહીશોએ પાણી પ્રશ્ને વાજતે ગાજતે રેલી કાઢી મહાપાલિકા કચેરીએ ધામાં નાખ્યા છે. અહીં મહિલાઓએ ફટાણા અને રામધૂન ગાઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે મહાપાલિકા હાય-હાયના નારા પણ લગાવ્યા હતા. આ સોસાયટીમાં 125 જેટલા મકાનો છે. વર્ષોથી પાણીની સમસ્યાને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. જેથી આજે તેઓએ અનોખો રીતે જનઆંદોલન શરૂ કર્યું છે.સ્થાનિકોએ સવારે 11 વાગ્યાથી મહાપાલિકા કચેરીમાં ધામાં નાખ્યા હતા. હજુ 3 વાગ્યે પણ સ્થાનિકો ત્યાં જ છે. આ દરમિયાન સ્થાનિકોએ બપોરનો જમણવાર પણ મહાપાલિકાના પટાંગણમાં જ યોજયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓ 4 કલાકથી કચેરીએ બેઠા છે. હજુ સાંજ સુધીમાં જો અધિકારીઓ દ્વારા લેખિત બાહેંધરી આપવામાં નહિ આવે તો સાંજે વારૂ-પાણી કરીને 3 બસમાં બેસીને સ્થાનિકો અહીંથી જ સીધા ગાંધીનગર રજુઆત કરવા જશે.