સ્થાનિકો અને વેપારીઓએ ગટરનો પ્રશ્ન હલ કરવા ધારાસભ્યને રજુઆત કરીમોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યાએ માજા મૂકી છે. ગટરના ગંદા પાણીથી સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ગટરનો પ્રશ્ન હલ કરવા તંત્રને અનેક રજુઆત કરવા છતાં ઉકેલ ન આવતા અંતે ધારાસભ્યને રજુઆત કરી છે.મોરબીના માધાપર વિસ્તારમાં દુકાન ધરાવતા મહેશભાઈ રાઠોડે ધારાસભ્યને રજુઆત કરતા જણાવ્યું છે કે, માધાપર મેઈન રોડ શેરી નંબર 1માં છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાય છે. ગટરના પાણી આખા રોડ ઉપર રેલમછેલ થઈને વહી રહ્યા છે. આ ગટરની ગંદકી આખા રોડ ઉપર વહેતી હોય લોકોને ગંદા પાણી વચ્ચે ચાલવા મજબુર બનવું પડે છે. આ ગટરના દૂષિત પાણીને કારણે વેપારીઓને ધંધો કરવો પણ મુશ્કેલ બની જાય છે, ગટરની ગંદકી રહીશો અને વેપારીઓને ભારે હાલાકી પડે છે. ગંદા પાણીના દુર્ગંધથી રોગચાળો ફેલાવવાની દહેશત છે. જો કે આ બાબતે તંત્રને અનેક વખત રજુઆત કરી હોવા છતાં તંત્રએ ગટરનો પ્રશ્ન હલ કરવાની તસ્દી ન લેતા અંતે ધારાસભ્યને રજુઆત કરી આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરવાની માંગ કરી છે.