મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે વોર્ડ નંબર 11ના લાયન્સનગરમા છેલ્લા બે દિવસથી રસ્તા પર ગટરના પાણી ભરાયેલા હોવાથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ ચીફ ઓફિસર ડી.સી. પરમારને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, લાયન્સનગરમાં વરસાદ બંદ થયાને બે દિવસ થયા છતાં રસ્તા પર ગટરનું ગંદુ પાણી ભરાયેલું છે. આ પાણી લાયન્સનગર મેઈન રોડ પર વહી રહ્યું છે. જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને પરેશાની ભોગવવી પડી રહી છે. સ્થાનિક વેપારીઓ પણ પરેશાન છે. લોકોને ગંદા પાણીમાંથી ચાલીને જવું પડી રહ્યું છે અને ગંદા પાણીના કારણે લોકોના આરોગ્યને પણ ખતરો છે. તેથી વહેલી તકે આ પાઈપલાઈન સાફ કરીને પાણીનો નિકાલ બંધ થાય તેવી કામગીરી કરવામાં આવે.