મુખ્યમંત્રી આવાસોમાં પ્રાથમિક સુવિધા આપવાના ચીફ ઓફિસરના આદેશનો પણ ઉલાળીયો થતા રહીશો વિર્ફયા : પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી : હાલ આવાસોમાં પાણીના ટેન્કર દોડાવવાની વ્યવસ્થા કરાઈ મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસોમાં ઘણા સમયથી પીવાના પાણીના ધાંધીયા સર્જાતા હોય છતાં તંત્રના પેટનું પાણી ન હલતા મુખ્યમંત્રી આવસોમાં રહેતા સામાન્ય વર્ગના લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો. ખાસ કરીને અગાઉની રજૂઆતને ધ્યાને લઈને ચીફ ઓફિસરે પાલિકાના સંબંધિત વિભાગોને આ આવાસોમાં પ્રાથમિક સુવિધા આપવાનો હુકમ કર્યો હતો. પણ ચીફ ઓફિસરના આદેશનો પણ ઉલાળીયો થતા સ્થાનિક રહીશો વિફર્યા હતા અને પાલિકા કચેરીમાં મોરચો માંડીને ઉગ્ર રજુઆત કરી હતી.જે ના પગલે પાલિકા તંત્રએ હાલના તબબકે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી દીધી છે. મોરબીના લીલાપર રોડ ઉપર મોરબી નગરપાલિકા દ્વારા થોડા વર્ષો પહેલા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ લોકો માટે આવાસો બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડ્રો કરીને પાલિકા તંત્ર દ્વારા લાભાર્થીઓને આવસોની સોંપણી કરવામાં આવી હતી એને ઘણો સમય થયો છે. હાલ આ આવાસોમાં સામાન્ય ગરીબ વર્ગના 114 જેટલા પરિવારો આશરે 3 વર્ષથી રહે છે. જો કે પાલિકા તંત્રએ આ ગરીબ લોકોને રહેવા માટે ધરનું ધર તો આપ્યું પણ પાણી, ગટર, લાઈટ જેવી પ્રાથમિક સુવિધા આપવાની કોઈ દરકાર ન કરતા આ ગરીબ લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને મુખ્યમંત્રી આવાસો ફળવાયા ત્યારથી પાણી આવતું નથી. પાણીની લાઈન જ ન નાખી હોવાથી ગરીબ વર્ગના લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. જો કે અહીં પાણીની ટાંકીઓ પણ તૂટી ગઈ છે. તેથી પાણી મેળવવા માટે સ્થાનિક રહોશોને જ્યાં ત્યાં વલખા મારવા પડે છે. મુખ્યમંત્રી આવાસોમાં પાણી પ્રશ્ને સ્થાનિક રહીશો અને આમ આદમી પાર્ટી દ્વારા થોડા દિવસો પહેલા ચીફ ઓફીસરને રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે ચીફ ઓફીસરે પાલિકાના રોશની, વોટર વર્ક્સ, ભૂગર્ભ સહિતના વિભાગોને મુખ્યમંત્રી આવાસોમાં પ્રાથમિક સુવિધા આપવા માટેની ઝડપથી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. પણ પાલિકાના પેધી ગયેલા સ્ટાફે ચીફ ઓફિસરના આદેશને પણ ન ગાંઠીને આવાસોમા પ્રાથમિક સુવિધા આપવાની કોઈ દરકાર કરી ન હતી. જેથી પાણીની રોજરોજની હાડમારીથી કંટાળી ગયેલા મુખ્યમંત્રી આવાસોના રહીશોએ પાણી આપોના પોકારો સાથે આજે પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો. જો કે દરેક વખતની જેમ પાલિકામાં પ્રમુખ અને ચીફ ઓફિસર ગેરહાજર હોવાથી ચીફ ઓફિસરને પી.એ સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી. હાલ ચીફ ઓફિસરને પી.એ દ્વારા આવાસોમાં પાણીના ટેન્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે. પણ આ આવાસોની નજીક જ પાણીનું પંપિંગ સ્ટેશન હોય કયારે પાણીની લાઈન નાખશે એ સૌથી મોટો વિકટ પ્રશ્ન છે.