લાયન્સનગરના રહીશોએ સાર્વજનિક પ્લોટમાં આંગણવાડી માટે મકાન બનાવવાની પણ અપીલ કરીમોરબી: મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-2માં આવેલા ભીમરાવનગર અને લાયન્સનગરના સ્થાનિક રહીશોએ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS)ના જિલ્લા બાળ વિકાસ યોજના અધિકારીને લેખિત રજૂઆત કરીને તેમના વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર શરૂ કરવાની અપીલ કરી છે. રહીશોએ જણાવ્યું છે કે આ બંને વિસ્તારોમાં હાલ એક પણ આંગણવાડી નથી તેમજ ભીમરાવનગર અને લાયન્સનગરની આસપાસની અન્ય સોસાયટીઓ જેવી કે રોહીદાસપરા, વિજયનગર, શાંતિવન સોસાયટી અને રણછોડનગર વગેરેમાં આંગણવાડીઓ કાર્યરત છે. વોર્ડ નંબર-2ની વસ્તીમાં મુખ્યત્વે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગ (OBC) અને લઘુમતી સમુદાયના લોકો રહે છે. રજૂઆતમાં ખાસ કરીને નાના ભૂલકાઓના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લાયન્સનગરના રહીશોએ તો સાર્વજનિક પ્લોટમાં આંગણવાડી માટે મકાન બનાવવાની પણ અપીલ કરી છે. આ મામલે અંગત રસ લઈને તાત્કાલિક ધોરણે પગલા લેવા રજૂઆત કરાઈ છે.