મોરબી: મોરબીના વાવડી રોડ પર ભુગર્ભ ગટર, ખરાબ રસ્તા અને પીવાના પાણીના પ્રશ્ને રહીશો દ્વારા આજે ચક્કાજામ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણેક મહિનાથી રસ્તો ખોદીને મૂકી દેવામાં આવ્યો છે પરંતુ કામ પૂરું કરવામાં આવતું નથી. આ સમસ્યાને લઈને આજ રોજ વાવડી રોડ ચક્કાજામ કરી દેવાયો છે. ચક્કાજામના કારણે સ્કૂલ બસ સહિત અનેક વાહનચાલકો ફસાયા હતા.સ્થાનિક રહીશ હેમતભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, માધાપર મેઈન રોડ નંબર 2 પર છેલ્લા ત્રણ મહિનાથી રોડ અને ગટરનું કામ ચાલી રહ્યું છે. આજ દિન સુધી કામ પૂરું થયું નથી. રસ્તો ખોદીને મૂકી દીધો છે કામ પૂરું ક્યારે થશે એ ખબર નથી. ચાલીને પણ જઈ શકાય એવી સ્થિતિ નથી. આ અંગે અમે ડેપ્યુટી કમિશનરને પણ રજૂઆત કરી હતી અને તેમણે કામ પૂરું થઈ જવાની હૈયાધારણા આપી હતી પરંતુ હજુ સુધી કામ પૂરું થયું નથી. ગટરના પાણીથી દુર્ગંધ આવી રહી છે. લોકોને ચાલીને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અમે વેરો ભરીએ છીએ પરંતુ સુવિધા મળતી નથી.વધુમાં મહિલાઓએ જણાવ્યું હતું કે, રસ્તા પર ખાડા હોવાના કારણે અનેક લોકો પડી જાય છે અને ઈજા પહોંચે છે. રસ્તા પર ગટર ઉભરાતી હોવાથી માટી ચીકણી થઈ ગઈ છે. સ્કૂલના બાળકોને પણ આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે. મહાનગરપાલિકા દ્વારા ખોદાણ કામ કર્યા બાદ કામ પૂરું કરવામાં આવ્યું નથી. સાથે જ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળે છે જેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. વધુમાં મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે મહાનગરપાલિકા દ્વારા કામ થશે ત્યારે જ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.