ટંકારા: ટંકારાના હરીઓમ નગરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી રહીશો ત્રસ્ત થઈ ગયા છે. ટંકારા નગરપાલિકા વિસ્તારમાં આવેલા હરીઓમ નગરમાં વરસાદી પાણીની ગંભીર સમસ્યાએ રહીશોને હેરાન-પરેશાન કર્યા છે. રહીશોએ સ્થાનિક નેતાઓ પર આક્રોશ ઠાલવ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, સત્તાધારી પક્ષના મોટા હોદ્દેદારોના ઘરોની આસપાસ પણ આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. આ મુદ્દે સ્થાનિકોમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે અને નેતાઓ તેમજ રાજકારણીઓ પર લોકો ફિટકાર વરસાવતા જોવા મળ્યા છે. રહીશોનો આરોપ છે કે સ્થાનિક અધિકારીઓ પાસે આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ નથી. હરીઓમ નગરના રહીશો આ સમસ્યાથી કંટાળીને પોતાની રજૂઆત લઈ પાટીદાર કાર્યાલય પહોંચ્યા હતા. તેમની માંગ છે કે વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે, જેથી આ વિસ્તારના લોકોને રાહત મળી શકે. આ મામલે હજુ સુધી સ્થાનિક વહીવટી તંત્ર કે નેતાઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી, જેના કારણે રહીશોમાં રોષ વધુ તીવ્ર બની રહ્યો છે.