કમોસમી વરસાદની આગાહીને પગલે આવતીકાલે પણ ઘઉની આવક બંધ રખાઇ છેમોરબી : મોરબી જિલ્લામાં 19 માર્ચના રોજ ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે. ખેતી પાકોમાં પણ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયાના સમાચાર મળ્યા છે. પરંતુ મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગોતરા પગલા લેવાયા હોવાથી જણસીઓને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. મોરબી યાર્ડમાં હાલની પરિસ્થિતિ અંગે યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ સાથે મોરબી અપડેટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી.મોરબી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી કાંતિભાઈએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદની આગાહી હોવાથી અગાઉથી જ આગમચેતીના ભાગરૂપે પગલાં ભરવામાં આવ્યા હતા. જેમાં 19 માર્ચના રોજ ઘઉં સહિતની ઉતરાઈ બંધ રાખવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય જણસીઓને પણ સુરક્ષિત ક્ષેત્રે ખસેડી લેવામાં આવી હોવાથી વરસાદ કે પવનના કારણે કોઈ નુકસાન થયું નથી. આ ઉપરાંત આવતીકાલે તારીખ 21 માર્ચ સુધી ઘઉંની ઉતરાઈ બંધ રાકવામાં આવી છે. વરસાદના કારણે આગામી દિવસોમાં શાકભાજી કે અન્ય જણસીઓના ભાવ અને આવકમાં કેવા ફેરફાર આવે છે તે અંગે કાંતિભાઈએ જણાવ્યું હતું કે, ભાવ વધવા કે ઘટવાની સ્થિતિ આગામી દિવસોમાં ખબર પડશે. શાકભાજી કે જણસીઓની આવકમાં ફેરફાર થાય છે કે કેમ તે અંગે પણ હજુ ચોક્કસ તાગ લગાવી શકાય નહીં.