રહીશો દ્વારા ટંકારા મામલતદારને લેખિતમાં રજૂઆત કરાઈ ટંકારા : ટંકારાની અયોધ્યાપુરી સોસાયટીમાં બનતા પેવર રોડના કામના પ્રશ્ને અયોધ્યાપુરી સોસાયટીના રહીશો દ્વારા ટંકારા મામલતદારને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે અને આ પ્રશ્ન મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં લેવા જણાવ્યું છે.આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, અયોધ્યાપુરી સોસાયટીનો મુખ્ય રસ્તો જે નગરપાલિકાની ગ્રાન્ટમાંથી પેવર રોડ મંજુર થયેલ છે. જે રસ્તાનું આશરે એક મહિના પહેલા ખોદાણકામ કરીને કોન્ટ્રાક્ટર ગુમ થઈ ગયેલ છે. સ્થાનિક લોકો દ્વારા અવાર નવાર નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ એન્જિનિયરને મૌખિક, ટેલિફોનિક તથા લેખિત ફરિયાદ કરેલ છે. પરંતુ આજ દિવસ સુધી કામ શરૂ કરેલ નથી. હાલ ચોમાસાની ઋતુ હોય, થોડા વરસાદના કારણે પાણી ભરાઈ જાય છે અને હાલ તેમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ ગયો છે. જેના કારણે આ સોસાયટીમાં લગભગ ઘરમાં માંદગીના ખાટલા થઈ ગયા છે. ત્યારે જો કોઈ અણબનાવ કે જાનહાની થશે તો જવાબદાર નગરપાલિકા રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.