જો ત્રણ દિવસમાં યોગ્ય પગલાં નહિ લેવાય તો આંદોલન કરવાની ચીમકીહળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામમાં દારૂડિયાઓ અને દારૂ વેચનારાઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે હવે ધાર્મિક સ્થળો પણ સુરક્ષિત રહ્યા નથી. ગામના સ્મશાનમાં ગ્રામજનો દ્વારા સ્થાપિત ભગવાન અને માતાજીની આશરે 10 જેટલી મૂર્તિઓને દારૂ પીધેલી હાલતમાં કેટલાક શખ્સો દ્વારા તોડી પાડવામાં આવતા ગ્રામજનોની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્ર, શાળા અને બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ પણ દારૂડિયાઓ અડ્ડો જમાવીને બેફામ બન્યા હોવાથી ગ્રામજનો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે.આ ગંભીર ઘટના અંગે ગ્રામજનો 8 દિવસ પહેલા હળવદ પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયા હતા. જોકે, પોલીસ દ્વારા કોઈ જ સંતોષકારક કામગીરી ન કરવામાં આવતા અને આરોપીઓ સામે કડક પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ બમણો થયો છે. મિયાણી ગામમાં 'હપ્તા રાજ' બંધ થાય અને દારૂબંધીનો કડક અમલ થાય તેવી ગ્રામજનોની પ્રબળ માંગ છે.સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળીને મિયાણી ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબી જિલ્લા પોલીસ એસપીને રૂબરૂ મળીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 3 દિવસમાં આ અંગે સંતોષકારક કાર્યવાહી કરી ન્યાય આપવામાં નહીં આવે, તો ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આ સાથે જ ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.#MorbiUpdate #Halvad #MiyaniVillage #MorbiPolice #CrimeNews #GujaratNews #Morbi #HaptaRaj #Protest