માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના સુલતાનપુર ગામની સરકારી પ્રાથમિક શાળામાં જિલ્લાફેર બદલી બાદ શિક્ષક આજદિન સુધી હાજર ન થતાં આ અંગે શાળાના આચાર્યએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયત સહિતનાને લેખિત રજૂઆત કરી છે.આચાર્યએ કરેલી રજૂઆત પ્રમાણે, ગત તારીખ 17-6-2021ના રોજ વિજય નરેન્દ્રકુમાર પંડ્યાની કચ્છથી ખાખરેચી ખાતે બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ વધઘટ કેમ્પમાં 25-5-2022ના રોજ સુલતાનપુર પ્રાથમિક શાળામાં તેઓની બદલી કરવામાં આવી હતી. 2022માં આ પરિપત્ર થયો હોવા છતાં આજદિન સુધી આ શિક્ષક શાળામાં ફરજ પર હાજર થયા નથી. તેઓ હજુ પણ કચ્છમાં જ હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુલતાનપુર પ્રાથમિક શાળામાં મંજૂર મહેકમ 1 થી 5માં 4ની સામે 2 શિક્ષકો અને 1 જ્ઞાનસહાયક કામ કરે છે. ધોરણ 6 થી8 માં 3ની સામે 2 શિક્ષકો જ છે. તો જિલ્લા ફેરબદલીવાળા શિક્ષકની જગ્યાએ જ્ઞાન સહાયક કે કોઈ શિક્ષકની ભરતી કરવા આચાર્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે.