મોરબી : ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રી. એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. (કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક લી.) મોરબી દ્વારા નો-ડ્યુ સર્ટિફિકેટ કઢાવવા માટે ચાર્જ વસુલવામાં આવતો હોય આ બાબતે માનસર ગ્રામ પંચાયત સરપંચ દ્વારા મોરબી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં કોઈ પણ ખેડૂતોને બેંક કે સરકારી અર્ધસરકારી કચેરીમાં ખેતી વિષયક કોઈ પણ પ્રકારનું કામ હોય તો 7/12, 8-અ ની સાથે નો-ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત છે. આ નો-ડ્યુ સર્ટિફિકેટ કઢાવવા માટે જે તે બેંકમાં જવું પડે છે. જેમાં અમુક બેંક દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર જ નો-ડ્યુ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જ્યારે ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રી. એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. (કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક લી.) મોરબી દ્વારા પહેલા રૂ. 10 વસુલવામાં આવતા અને હાલમાં આ ચાર્જ રૂ. 59 પુરા વસુલવામાં આવે છે. હાલમાં ખેડૂતો પગભર બને અને નાના ખેડૂતો શહેર તરફ ન આકર્ષાય તે હેતુથી સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ માત્ર નો-ડ્યુ સર્ટિફિકેટ આપવા માટે રકમ વસુલ કરવામાં આવી રહી છે. તો આ બાબતે ધ્યાન આપી ઘટતી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.