અનુસુચિત જાતિના અગ્રણીઓએ મોરબી જિલ્લા કલેક્ટર સમક્ષ જમીનની સમીક્ષા કરી અહેવાલ પ્રસિદ્ધ કરવા માગ કરીમોરબી : મોરબી જિલ્લામાં સરકારી ખરાબાની જમીનો પછાત વર્ગના લોકોને સાથણીમાં આપવામાં આવેલી જમીનોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ, દબાણ, રેકર્ડમાં ચેડા, ખોટી રીતે શરતભંગ, ભુમાફિયાના કબજાની ઘટનાઓ બની રહી છે ત્યારે આ અંગે અનુસુચિત જાતિના અગ્રણી બી.એલ. સોલંકીએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, ખાસ કરીને અનુસુચિત જાતિના લોકોને આપવામાં આવેલી સાથણીની જમીનમાં ગેરરીતિ, દબાણ, રેકર્ડમાં ચેડા, ખોટી રીતે શરતભંગ, ભુમાફિયાના કબજા જેવી ઘટનાઓ બની રહી છે. આ લોકો દ્વારા ન્યાયની અપેક્ષાએ સરકારી તંત્ર પાસે જાય છે તો અધિકારીઓ અને કર્મચારીઓ કોઈ કાર્યવાહી કરતાં નથી. તેથી સાથણી કેટલા તબક્કામાં થઈ છે ? સાથણી, ભુદાન, અનુસુચિત જાતિ ખેતી મંડળીને ક્યાં ગામમાં કેટલી જમીનો અપાય છે ? કેટલી જમીનો સાથણી થયા પછી કબજા સોંપેલ નથી, કેટલી જમીનો શરતભંગ થઈ છે ? કેટલી જમીનો જુની શરતમાં ફરી ગઈ છે, કેટલી બાકી છે ? સાંથણીની કેટલી જમીનોનું વેચાણ થયેલ છે ? કેટલી જમીનો જાહેર હેતુ માટે સંપાદન થયેલ છે ? કેટલી જમીનોના હુકમો છે, સ્થળ પર જમીન નથી ? અને કેટલી જમીનોમાં કોર્ટ મેટરો ચાલે છે ? આ અંગેની રેકર્ડની ખરાઈ કરાવી, પંચો સાથે રાખી સ્થળ પર વિઝિટ કરાવી ઉપરોક્ત મુદ્દાઓની ખરી હકીકતનો અહેવા વહેલી તકે આપવા માગ કરવામાં આવી છે.