મોરબી શહેરના લાતી પ્લોટ-7માં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાનો પ્રશ્ન અને ખરાબ રસ્તાના પ્રશ્નને લઈને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આ સમસ્યાને લઈને આજ રોજ 20 ઓગસ્ટે લાતી પ્લોટ-7ના વેપારીઓએ કોંગ્રેસના નેતાઓને સાથે રાખીને મોરબી નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી.વેપારીઓએ ચીફ ઓફિસરને જણાવ્યું હતું કે, લાતી પ્લોટ-7માં બે વર્ષ પહેલા ભુગર્ભ ગટર માટેની લાઈન ખોદી નાખવામાં આવી હતી. ત્યારબાદ ઉપર રોડ બનાવ્યો ન હતો. જેના કારણે રસ્તો ઉબડ ખાબડ થઈ ગયો છે. જેના કારણે ખાડાઓમાં પાણી ભરાય રહે છે. જેથી વેપારીઓ અને બજારમાં ખરીદી માટે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓએ આ સમસ્યાના નિરાકરણ માટે અનેક વખત મોરબી નગરપાલિકામાં રજૂઆતો કરી છે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ભુગર્ભ ગટરની સફાઈ માટે કર્મચારીઓ એક કુંડીમાં ગાર કાઢીને જતા રહે છે. જેથી આજ રોજ વેપારીઓએ ચીફ ઓફિસરને રૂબરૂ મળીને આ અંગે યોગ્ય કરવા રજૂઆત કરી હતી. વેપારીઓની રજૂઆત બાદ ચીફ ઓફિસરે આ સમસ્યાના નિરાકરણ માટેની સૂચના આપી હતી અને વેપારીઓનો પ્રશ્ન હલ કરવા ખાતરી આપી હતી.