ખોટા રહેઠાણ પ્રમાણપત્રથી ગેરરીતિ થઈ હોય ભરતી રદ્દ કરી ન્યાય અપાવવા માગમાળિયા (મિયાણા) : માળિયા (મિયાણા)માં આંગણવાડીની ભરતીમાં ખોટા રહેઠાણ પ્રમાણપત્રથી ગેરરીતિ કરવામાં આવી હોય આ ભરતી રદ્દ કરી મહિલાઓને ન્યાય અપાવવા માટે રહીશોએ મોરબી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, આઈસીડીએસ શાખા, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે.અરજદાર સાયરાબેન સેડાત, અનવરભાઈ નિલોફર, મુમતાજબેન જેડા, વહીદાબેન સૈયદ અને નીયામતબેન જેડાએ આ અંગે કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, માળિયા (મિયાણા) આંગણવાડી ભરતીમાં સ્પષ્ટ ગેરરીતિ અને છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં પસંદ થયેલા ઘણા ઉમેદવારો માળિયા (મિયાણા)ના મૂળ રહેવાસી નથી. આવા ઉમેદવારોને મામલતદાર કચેરી દ્વારા ખોટા પ્રમાણપત્ર અપાયા છે. જે નિયમ વિરુદ્ધ છે. સરકારના ઠરાવનું ઉલ્લંઘન થયું છે. આ ઉપરાંત મૂળ રહેવાસી મહિલાઓના ફોર્મને નાની નાની ખામીઓ બતાવીને રિજેક્ટ કરવામાં આવ્યા છે. જેથી સ્થાનિક મહિલાઓ સાથે અન્યાય થયો છે. આમ ખોટા પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને પસંદ કરીને સ્થાનિક મહિલાઓની તક છીનવી લેવાઈ રહી છે. આથી ભરતીમાં પસંદ થયેલા તમામ ઉમેદવારોના રહેઠાણના દાખલાની ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે. ખોટા પ્રમાણપત્રના આધારે પસંદ થયલા ઉમેદવારોને તાત્કાલિક રદ્દ કરવામાં આવે. આ ઘટનામાં સંડોવાયેલા મામલતદાર કચેરીના અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. મૂળ રહેવાસી મહિલાઓના રિજેક્ટ થયેલા ફોર્મની પુનઃ ચકાસણી કરીને ન્યાય આપવામાં આવે અને ભરતી રદ્દ કરીને નવી પારદર્શક પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.