અહીં તમામ નાના માણસોનો વસવાટ, ડીમોલેશન પૂર્વે જગ્યા ફાળવી રહેણાંકની સવલત કરી આપવાની માંગવાંકાનેર : વાંકાનેરમાં સીટી સ્ટેશન પાસે વાંજાવાસમાં મકાનોનું ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્થાનિક હુસેનભાઈ અબ્દુલ રહેમાન ફકીર દ્વારા આ ડીમોલેશન અટકાવવા તથા રહેણાંક માટે જગ્યા ફાળવી આપવા બાબતે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યુ છે કે, હાલ 27 જેટલા પરિવારો જેમાં કુલ 150 થી 200 જેટલા લોકો 50 થી 60 વર્ષથી વાંકાનેર સીટી સ્ટેશન પાસે વસવાટ કરે છે. આ કુટુંબો વર્ષોથી છાપરા તથા નળિયાવાળા મકાનો અને ઝૂંપડીઓ બનાવી રહે છે. હાલ આ મકાનોનું ડીમોલેશન કરવામાં આવી રહ્યું હોય ત્યારે આ ડીમોલેશન અટકાવવા તથા અહીં વસવાટ કરતી જ્ઞાતિઓમાંથી વાંજા સમાજના 60 જેટલા પરિવારોને પ્લોટની ફાળવણી કરવા માંગ કરવામાં આવી છે. અહીં નગરપાલિકા દ્વારા શૌચાલય બનાવવામાં આવ્યા છે તેમજ ઘર નંબર પણ આપવામાં આવ્યા છે તેમજ નિયમિત મકાનવેરો, પાણીવેરો તથા લાઈટબીલ ભરવામાં આવે છે, તેમ છતાં અવારનવાર અમુક લોકો અને પોલીસ દ્વારા રૂબરૂ આવી આ જગ્યા ખાલી કરાવવા માટે ધમકી આપવામાં આવે છે. ત્યારે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને પ્લોટની ફાળવણી કરી આવાસ યોજનામાં મકાન બનાવવાની સહાય આપવા માંગ કરવામાં આવી છે.