ટંકારા: તાલુકાના વિરપર (મચ્છુ) ગામે વીજ પુરવઠાની અનિયમિતતાને લઈને ગ્રામ પંચાયત દ્વારા જેટકોના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને વીજ પુરવઠાની સમસ્યાનું સમાધાન કરવા જણાવવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ગત તારીખ 12 ઓક્ટોબરના રોજ વિરપર 66 KV સબ સ્ટેશનમાં રીપેરીંગની કામગીરીના કારણે આગલા દિવસથી 4 વાગ્યા સુધી પાવર બંધ રહેવાની નોટિસ આપીને રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ રીપેરીંગની કામગીરી રાતના 9 વાગ્યે પણ પૂરી થઈ ન હતી અને 9 વાગ્યા સુધી ગામમાં પાવર સપ્લાય બંધ રાખવામાં આવ્યો હતો. આમ મોડે સુધી પાવર સપ્લાય બંધ રહેતા ગ્રામજનો અને ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કામ સમયસર પુરુ ન થવામાં જેની પણ બેદરકારી હોય તેની સામે યોગ્ય પગલાં લેવા જેટકોના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરાઈ છે અને આ બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.