મોરબી : મોરબીમાં છેલ્લા ઘણા સમયથી શહેરના વિસ્તારોમાં રોડ રસ્તા ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. આ ખરાબ રસ્તાને કારણે અવારનવાર અકસ્માત દુર્ઘટનાઓ સર્જાતા લોકો મોતને ભેટતા હોય છે અને લોકોને ખૂબ મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લા કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્ટના મહિલા પ્રમુખ જીનતબેન અબ્દુલભાઈ મોડ, શહેર મહિલા પ્રમુખ કલ્પનાબેન પરમાર તેમજ કાન્તિ નગર વિસ્તારના લોકોને સાથે રાખી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ માર્ગ મકાન વિભાગ કાર્યપાલક એન્જિનિયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, શહેરના માળિયા ફાટક પાસે આવેલા કાન્તિનગર વિસ્તારમાં હાલમાં કોઈપણ પ્રકારના સીસી રોડ કે પેપર બ્લોક રોડ આવેલ નથી. આ વિસ્તારમાં રોડ રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર છે. જેના કારણે વિસ્તારમાં અવારનવાર અકસ્માતો સર્જાય છે તેમજ તાજેતરમાં ખરાબ રોડ રસ્તાને કારણે અકસ્માતમાં નિર્દોષ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી તાત્કાલિક રોડ રસ્તા બનાવવા માગ ઉઠી છે. અવાર-નવાર આવાં ગંભીર અકસ્માતના બનાવો ન બને તેમજ લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવા હેતુથી વહેલી તકે નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી.