ફેક્ટરીઓ દ્વારા ફેલાવાતા પ્રદૂષણથી ખેડૂતોના પાકને નુકસાન થતું હોવાની ફરિયાદવાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલી ફેક્ટરીઓ દ્વારા ફેલાવાતા પ્રદૂષણથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતું હોવાની ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી છે. કે.ડી. બાવરવાના જણાવ્યા પ્રમાણે ભલગામના ખેડૂતો દ્વારા ખેતરમાં નજીકની ફેક્ટરીઓના પ્રદૂષણથી નુકસાન થયાની રજૂઆતો મળી છે. આ બાબતે સ્થાનિક અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ ખેડૂત લક્ષી નહીં પરંતુ ફેક્ટરીઓ તરફી વલણ દાખવી રહ્યા છે. અધિકારીઓ ખેડૂતોના નુકસાન બાબતે ઉદાસિનતાભર્યું વર્તન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેથી પાકના નમુના લઈને યોગ્ય વૈજ્ઞાનિક પરિક્ષણ તંત્ર દ્વારા તાત્કાલિક થવું જોઈએ અને જે જવાબદારો હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. નુકસાન થયેલા પાક માટે જે-તે ખેડૂતોને યોગ્ય વળતર પણ તાત્કાલિક ચુકવવું જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો સ્થાનિક ખેડૂત પરિવારોને સાથે રાખીને નાછૂટકે ઉપવાસ આંદોલન કરવું પડશે. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.