બગસરા ગ્રામ પંચાયતે જુદી જુદી સમસ્યાના ઉકેલ માટે અલગ અલગ સંબધિત વિભાગોને આવેદન આપ્યા મોરબી : માળીયાના બગસરા ગ્રામ પંચાયતે ગામની જુદી જુદી સમસ્યાઓના ઉકેલ માટે અલગ અલગ સંબધિત વિભાગોને આવેદન આપ્યા હતા. જેમાં બગસરા ગામે પાણી, એસટી અને વીજળી પ્રશ્ને સંબધિત તંત્રને રજુઆત કરીને આ પ્રશ્નોનો ઉકેલ લાવવની માંગ કરી છે. આ પ્રશ્નો ન ઉકેલાય તો ઘરણા પ્રદર્શન કરવાની ચીમકી આપી છે. બગસરા ગ્રામ પંચાયતે પાણી પુરવઠા તંત્રને રજુઆત કરીને જણાવ્યું હતું કે, બગસરા ગામને નાનાભેલા ગામથી પાણી વિતરણ કરવામાં આવતું હોય પણ બગસરા ગામને નિયમિત રીતે પૂરતું પાણી મળતું નથી.આથી નાનાભેલાથી ભાવપર સુધીની જૂની પાઇપલાઇન બદલાવીને નવી પાઇપલાઇન નાખવા તેમજ નાનાભેલા ગામ આજુબાજુ વાલ્વ લીકેજ હોય તો રીપેર કરવાની માંગ કરી છે. 10 દિવસમાં બગસરા ગામને પૂરતું પાણી નહીં મળે તો ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપી છે. સાથેસાથે એસટી તંત્રને રજુઆત કરી હતી કે, બગસરા ગામે મોરબી રૂટની એસટી બસ ભાવપર ગામ સુધી જ આવતી હોય ગામના વિધાર્થીઓને હાલાકી પડે છે. ગામના વિદ્યાર્થીઓ મોટાભેલા ગામ અભ્યાસ કરવા જતાં હોય તેમને ભાવપર સુધી જવું પડતું હોય ભારે મુશ્કેલી પડે છે આથી મોરબી રૂટની બસ બગસરા સુધી લાબાવવાની અને સવારે દોડાવવાની માંગ કરી છે. આ ઉપરાંત પીજીવીસીએલ તંત્રને રજુઆત કરી હતી કે, બગસરા ગામે જુના ટીસી, લોડ તેમજ તારનું મેઈન્ટેશ કરવાની માંગ કરી છે.