મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણીની કામગીરી માટે શિક્ષિકા બહેનોને મહિલા પોલિંગ ઓફિસર તરીકે ફરજ સોંપવામાં આવી છે. તેથી, આ બહેનોની સામાજિક સુરક્ષાના પ્રશ્નો ઉદભવે તેમ હોવાથી મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપ આદ્રોજા અને મહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયાએ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ- મોરબીને રજુઆત કરીને શિક્ષિકાઓને પોલિંગ ઓફિસરનો ચાર્જ ન સોંપવાની માંગ કરી છે. આ રજુઆતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાનાર મોરબી - માળિયા વિધાનસભા પેટાચૂંટણીમાં મહિલા પોલિંગ ઓફિસર તરીકે ટંકારા, વાંકાનેર અને કાલાવડ મતવિસ્તારના શિક્ષિકા બહેનોને પણ ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે અને તેમના ઓર્ડર ઈશ્યૂ થઈ રહ્યાં છે. પણ આ પ્રકારની કાર્યવાહી અયોગ્ય છે. સામાન્ય રીતે મહિલા પોલિંગ ઓફિસરોએ મતદાન બૂથ પર રાત્રી રોકાણ હોતું નથી. અન્ય મતવિસ્તારના શિક્ષિકા બહેનોને (વાંકાનેર, ટંકારા, કાલાવડ) મોરબી-માળિયા તાલુકાના અંતરિયાળ મતદાન બૂથો પર સમયસર પહોંચવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વળી, બહેનોની સામાજિક સુરક્ષાના પ્રશ્નો પણ ઉદ્દભવિત થઈ શકે. આમ જોઈએ તો આ ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાંથી શિક્ષિકા બહેનોને ચૂંટણી ફરજ સોંપાઈ રહી હોય તેવું થયેલ છે. આથી, સંગઠનના જાગૃત જવાબદાર નેતૃત્વ તરીકે તેઓએ માંગ કરી છે કે દરેક મતદાન મથક પર લોકલ મોરબી માળિયા મતવિસ્તારના જ શિક્ષિકા બહેનોને મહિલા પોલિંગ ઓફિસર તરીકે ફરજ સોંપવામાં આવે. અને તેમના ચૂંટણી ફરજનું બુથ પણ લોકલ અથવા સામાન્ય ઓછા અંતરની ત્રિજ્યામા હોય તેની તકેદારી રાખવામાં આવે. આ શિક્ષિકા બહેનોને પણ મતદાન બૂથ અંદરની કામગીરી જ સોંપવામાં આવે. કોવિડ - 19 અંતર્ગત મતદાન બૂથ બહારની બાહ્ય આરોગ્યલક્ષી અને સોશ્યલ ડિસ્ટનસિંગની જવાબદારી/ફરજ લોકલ પુરૂષ કર્મચારીને સોંપવામાં આવે. જો સ્ટાફની ઘટ રહેતી હોય તો અન્ય મતવિસ્તારમાં ફરજ બજાવતા શિક્ષિકા બહેનોને બદલે પુરૂષ કર્મચારીઓને પણ ફરજ સોંપી શકાય. અગાઉ થયેલ મોટાભાગની ચૂંટણીઓમાં મતવિસ્તાર બદલીને મહિલા કર્મચારીઓને ફરજ સોંપાયેલ નથી. તેથી, આ સંવેદનશીલ પ્રશ્ન ધ્યાને લઈને આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરાવવાની માંગ કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate