હળવદના ટિકર ગામે તલાટી મંત્રી વારંવાર ગેરહાજર રહેતા હોવાથી વહીવટી કામો માટે ગ્રામજનોને પડતી હાલાકી હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામે તલાટી મંત્રી પંચાયત કચેરીમાં હાજર રહેવાને બદલે ઘેરહાજર રહેતા હોવાની ફરિયાદ ઉઠી છે. તલાટી મંત્રી સતત ગેરહાજર રહેતા હોવાથી ગ્રામજનોને વિવિધ દાખલાઓ સહિતના વહીવટી કામો કરાવવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી, આવા તલાટી મંત્રીની તત્કાળ બદલી કરી તેની જગ્યાએ નિષ્ઠાવાન તલાટી મંત્રીની નિમણુંક કરવાની માંગ ઉઠાવી છે. હળવદના ટીકર ગામના જિલ્લા પંચાયતના સદસ્ય સરોજબેન પટેલે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી કે, હળવદના ટીકર ગામે સાગર આર. વરસડાની આશરે બે વર્ષ પહેલા તલાટી કમ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમ છતા પણ તેઓ કોઈપણ જાતની કામગીરી કરતા નથી અને પંચાયત કચેરીમાં કોઈપણ દીવસ આવતા નથી. જેથી, ગ્રામજનોને અવારનવાર દાખલાઓ કઢાવવામાં કે અન્ય કોઈ પણ જાતની કામગીરી કરાવવામાં તકલીફ થાય છે. આ બાબતની અગાઉ પણ ધણી બધી વખત લેખીત તેમજ મૌખીક રજુઆત કરી છે. છતા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. ટીકર ગામ 7OO0 હજારની વસ્તી ધરાવે છે. પરિણામે તલાટી મંત્રીને લગતા કામકાજની રોજિંદી જરૂર પડે છે પરંતુ તલાટી મંત્રીને શોધવા જવા પડે તેવી પરીસ્થિતી ઉભી થાય છે. આથી, આ તલાટી મંત્રીની બદલી કરી કોઈ સારા એવા તલાટીને નિમણૂક કરવાની તેઓએ માંગ ઉઠાવી ટીડીઓને રજુઆત કરી છે.