ભડિયાદ વિસ્તારમાં આશરે 1,198 વૃક્ષોનું વાવેતર નડતરરૂપ ઝાડ-ઝાડીઓની કાપણી કરીને મોરબીને હરિયાળું, સ્વચ્છ અને સુંદર બનાવાશે: મહાપાલિકા મોરબી: મોરબી મહાપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના સૌંદર્યમાં વધારો કરવાના ભાગરૂપે, મહાપાલિકા નવા ગાર્ડનો વિકસાવવાની સાથે સાથે જૂના ગાર્ડનોના નવીનીકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેમાં કેશરબાગ અને સુરજબાગ સહિતના મુખ્ય ગાર્ડનોના રિનોવેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જે પૂર્ણ થતાં શહેરના દેખાવમાં નોંધપાત્ર સુધારો થશે.મોરબી મહાપાલિકા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસને પ્રાધાન્ય આપીને ભડિયાદ વિસ્તારમાં આશરે 1,198 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે શહેરના ગ્રીન કવરને વધારવામાં અને પર્યાવરણના જતન કરવામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર અવરોધરૂપ બનેલા ઝાડ-ઝાડીઓની કાપણીની કામગીરી નિયમિતપણે હાથ ધરવામાં આવી રહી છે. મહાપાલિકા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં શહેરના તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં નડતરરૂપ ઝાડ-ઝાડીઓ હશે, ત્યાં કાપણીનું કામ પૂર્ણ કરવામાં આવશે.