નશાના સોદાગરોમાં ફફડાટ: ટંકારા પોલીસ તંત્ર દ્વારા ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા કવાયતટંકારા : ટંકારા શહેરમાં ગઈકાલે એસ.ઓ.જી. (SOG) પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે જે પટેલ યુવાનને ઝડપી લીધો હતો, તેને ટંકારા પોલીસે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આગામી ૨૦ જાન્યુઆરી સુધીના સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ટંકારા પોલીસ હવે આ ડ્રગ્સનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તેના મુખ્ય સપ્લાયરો કોણ છે તે દિશામાં આક્રમક તપાસ હાથ ધરી રહી છે.ટંકારાની હરીઓમ સોસાયટીમાં રહેતો હાર્દિક નરેન્દ્રભાઈ ભાડજા પોતાના ઘરેથી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી.એ દરોડો પાડ્યો હતો. જેમાં રૂ. ૨,૪૯,૬૦૦ની કિંમતનું ૮૩ ગ્રામ ૨૦૦ મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, ૨ મોબાઈલ અને ડિજિટલ વજનકાંટો મળી કુલ રૂ. ૨,૮૪,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.ત્યાર બાદ તપાસ ટંકારા પોલીસ ને સોપતા થાણા અમલદાર કે એમ છાસિયા એ તપાસ હાથમાં લેતા આ કેસમાં પકડાયેલો આરોપી હાર્દિક શહેરના 'ગાંજા ગ્રુપ' સાથે સીધો સંકળાયેલો હોવાની વિગતો બહાર આવતા જ નશાનો વેપાર કરતા અન્ય તત્વોના 'પોતિયા ઢીલા' થઈ ગયા છે. ખાસ કરીને ગાંજાની પડીકીઓ વેચતા લવર મુછીયાઓ પોલીસ સકંજામાં આવી જવાની બીકે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. શહેર મધ્યે આવેલા એક ચોક્કસ ધર્મસ્થાન પાસે અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે, જે અંગે પોલીસ ઊંડી તપાસ કરે તેવી લોક માંગ ઉઠી છે.કેસની ગંભીરતાને જોતા ટંકારાના થાણા અમલદાર કે. એમ. છાસિયા તથા ડી-સ્ટાફની ખાસ ટીમે તપાસની કમાન સંભાળી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આ મોંઘુદાટ ડ્રગ્સ ટંકારામાં સપ્લાય કરનાર 'મોટું માથું' કોણ છે? ટંકારાના કયા કયા યુવાનો આ નશાની લતે ચડ્યા છે?આરોપી પાસે ડ્રગ્સના વેચાણ માટે માલ ક્યાંથી આવ્યો? સહિત ટંકારા પંથકમાં યુવાધનને બરબાદ કરતા નશાના આ કાળા કારોબારનો પર્દાફાશ થાય તેવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.