ગરીબ - મધ્યમવર્ગનાં દર્દીઓ માટે આયુષ્યમાન કાર્ડ પર નિઃશુલ્ક રેડીયોથેરાપી, કેમોથેરાપી અને તમામ ઓપરેશનની સુવિધામોરબી : આજના સમયમાં કેન્સરની જીવલેણ બીમારીની સારવાર ખૂબ જ મોંઘી છે ત્યારે રાજકોટ એઇમ્સ કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર લાવી છે.રાજકોટ એઇમ્સ ખાતે તમામ પ્રકારના કેન્સરની સારવાર, ઓપરેશન, કેમોથેરાપી અને રેડીયોથેરાપી સહિતની તમામ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.અહીં ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને આયુષ્યમાન કાર્ડ પર તમામ સારવાર નિઃશુલ્ક છે.અત્યાર સુધી કેન્સરના દર્દીઓને સર્જરી અને કિમોથેરાપી બાદ રેડિયેશન સારવાર માટે અન્ય મોટા શહેરોમાં જવું પડતું હતું.પરંતુ હવે રાજકોટ એઇમ્સ ખાતે હાઈ એનર્જી લીનિયર એક્સિલરેટર, સીટી સિમ્યુલેશન અને એચડીઆર બ્રેકીથેરાપી જેવી વૈશ્વિક ધોરણોની સુવિધાઓ કાર્યરત થતા દર્દીઓને પોતાના વિસ્તારમાં જ સંપૂર્ણ અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ થશે.શરીરમાં કાપો કર્યા વિનાની સર્જરી' જેવી અદ્યતન સારવાર પણ એઇમ્સ રાજકોટમાં ઉપલબ્ધ બની છે.એઇમ્સ રાજકોટ ખાતે Intensity Modulated Radiation Therapy, Volumetric Modulated Arc Therapy, Image Guided Radiation Therapy, Stereotactic Radiosurgery, Stereotactic Radiotherapy અને Stereotactic Body Radiotherapy જેવી આધુનિક રેડિયેશન ટેકનિકો શરૂ કરવામાં આવી છે. આ ટેકનિકો દ્વારા કેન્સરની ગાંઠ પર અત્યંત ચોકસાઈપૂર્વક નિશાન સાધી સારવાર આપી શકાય છે, જેના કારણે આસપાસના તંદુરસ્ત અવયવોને ઓછું નુકસાન થાય છે અને સારવાર વધુ અસરકારક બને છે. આ સુવિધાઓને તબીબી ક્ષેત્રમાં ઘણીવાર કાપો કર્યા વિનાની સર્જરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓમાં થતા ગાયનેકોલોજિકલ કેન્સર તેમજ અન્ય જટિલ કેન્સરની સારવાર માટે એચડીઆર બ્રેકીથેરાપી સેવાઓ પણ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે. સાથે જ મલ્ટી ડીસીપ્લીનરી અભિગમથી સર્વાંગી કેન્સર સારવાર એઇમ્સ ખાતે ઉપલબ્ધ છે. રાજકોટ એઇમ્સ ખાતે જનરલ સર્જરી, ગાયનેકોલોજી, ઇએનટી ઓર્થોપેડિક્સ, મેડિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી સહિતના વિવિધ નિષ્ણાત વિભાગો વચ્ચેના સંકલન દ્વારા મલ્ટી ડીસીપ્લીનરી કેન્સર સારવાર આપવામાં આવે છે. હેડ એન્ડ નેક કેન્સર, સ્તન કેન્સર, જઠરાંત્રિય, કેન્સર, ગાયનેકોલોજિકલ કેન્સર, યુરોલોજિકલ કેન્સર તેમજ હાડકાના કેન્સર સહિત વિવિધ પ્રકારના જટિલ કેન્સરની સારવાર ઉપલબ્ધ છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકો માટે રાજકોટ એઇમ્સ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત PM-JAY હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેના કારણે આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના દર્દીઓને વિશેષ લાભ મળશે. એઇમ્સ રાજકોટ દ્વારા શરૂ કરવામાં આવેલી આ અત્યાધુનિક કેન્સર સારવાર સુવિધાઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે જ વિશ્વસ્તરીય, ગુણવત્તાસભર, સુલભ અને દર્દી-કેન્દ્રિત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.