ચોમાસા પૂર્વે જ નવા શેડનું નિર્માણ પૂર્ણ થતા પાંચ શેડનો લાભ મળશેમોરબી : મોરબી જિલ્લાના સૌથી મોટા મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની સુવિધા અંતે યાર્ડ સત્તાવાળાઓ દ્વારા પાંચમા શેડનું નિર્માણકાર્ય પૂરજોશમાં શરૂ કરાયું છે. મોરબી યાર્ડમાં જણસી વેચવા આવતા ખેડૂતોને ચોમાસા અને કમોસમી વરસાદ જેવી સ્થિતિમાં તકલીફ ન પડે તે માટે રૂપિયા 1.91 કરોડના ખર્ચે નવો શેડ બનાવવાની સાથે જુના એક શેડને રીપેર કરવાંમા આવી રહ્યો છે. સાથે જ ખેડૂતો અને શ્રમિકો માટે અહીં ટોયલેટ બોક્સ અને બાથરૂમનું પણ બાંધકામ શરૂ કરાયું છે.મોરબી માર્કેટિંગ યાર્ડમાં મોરબી ઉપરાંત ટંકારા અને માળીયા મિયાણા તાલુકાના ખેડૂતો પણ પોતાની ખેતપેદાશ વેચાણ અંતે આવતા હોય અહીં વર્ષો પૂર્વે બનાવવામાં આવેલ પ્લેટફોર્મ અને શેડ હાલમાં ટૂંકા પડી રહ્યા હોવાથી યાર્ડ સત્તાધીશો દ્વારા રૂપિયા 1.91 કરોડના ખર્ચે વધુ એક શેડનું નિર્માણકાર્ય શરૂ કરાયું છે જે સંભવત આગામી ચારેક માસમાં પૂર્ણ થઇ જશે, નોંધનીય છે કે, મોરબી યાર્ડ ખાતે હાલમાં ચાર શેડ આવેલ છે પરંતુ ચોમાસા અને કમોસમી વરસાદના સમયે આ ચાર શેડમાં ખેડૂતોનો માલ રાખી શકાતો ન હોવાથી ખેડૂતોની સુખાકારી માટે શેડ બનાવવાનું શરૂ કરાયું છે.મોરબી યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી કાંતિભાઈ વૈશ્નાણીએ જણાવ્યા મુજબ યાર્ડમાં વર્ષો પૂર્વે ચાર શેડ બનાવવામાં આવ્યા હતા જે પૈકી એક શેડનું રીપેરીંગ જરૂરી હોય રીપેરિંગ કામ પણ શરૂ કરાયું છે. હાલમાં ખેડૂતો માટે લોખંડના સ્ટ્રક્ચર સાથેનો વિશાળ શેડ બનાવવા ઉપરાંત યાર્ડ દ્વારા ખેડૂતો તેમજ અહીં કામ કરતા શ્રમિકો માટે 10 ટોયલેટ બોક્સ તેમજ 10 બાથરૂમનું બાંધકામ પણ શરૂ કરી દેવાયું છે અને ચોમાસા પૂર્વે બન્ને કામ પૂર્ણ થતા ખેડૂતોની સુવિધામાં વધારો થશે તેમ જાહેર કરાયું છે.