લીલાપર રોડ ગૌશાળાથી ભડિયાદ રોડને જોડતો આ બ્રિજ રૂ.156.67 કરોડના ખર્ચે બનશે : બ્રિજને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તરફથી મળી સૈદ્ધાંતિક મંજૂરી મોરબી : મોરબી મહાનગરપાલિકાની સિટી સિવિલ અને બ્યુટિફિકેશન શાખા દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. જેમાં શહેરના મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી પર ટ્રાફિકની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે વધુ એક બ્રિજ સરકારમાંથી મંજુર કરવાયો છે. આ બ્રિજ આઈકોનીક કેબલ બ્રિજ હશે. જે લીલાપર રોડ ગૌશાળાથી સામાકાંઠે ભડિયાદ રોડને જોડશે. હાલમાં મચ્છુ નદી પરના બ્રિજ પર આવન-જાવન માટેના બે અલગ બ્રિજ હોવા છતાં, શહેરનો સંપૂર્ણ ટ્રાફિક આ જ માર્ગ પરથી પસાર થતો હોવાથી વારંવાર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે. મોરબી મહાનગરપાલિકાએ આ ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પાડાપુલની અપસ્ટ્રીમ (નદીના પ્રવાહની ઉપરની બાજુ)માં એક આકર્ષક અને 'આઈકોનિક' કેબલ સ્ટેડ બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે.આ પ્રોજેક્ટ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરીને રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ (GMIDF) દ્વારા રૂ. 156.67 કરોડના અંદાજિત ખર્ચે આ બ્રિજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ આઈકોનિક બ્રિજ બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલો છે, જેમાં એક મુખ્ય કેબલ સ્ટે પોર્શન અને બીજું અપ્રોચ પોર્શન.મુખ્ય કેબલ સ્ટે પોર્શનએ બ્રિજનો મુખ્ય અને સૌથી આકર્ષક ભાગ છે, જેની કુલ લંબાઈ 360 મીટર છે અને તેને 90 મીટર, 180 મીટર અને 90 મીટરના ત્રણ સ્પાનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ ભાગમાં માર્ગની કુલ પહોળાઈ 22.700 મીટર રહેશે, જ્યારે વાહનોની અવરજવર માટેની મુખ્ય માર્ગ પહોળાઈ 8.5 મીટર રાખવામાં આવી છે. આમાં 4 ટ્રાફિક લેનનો સમાવેશ થાય છે અને વાહનચાલકોની સુરક્ષા માટે બંને બાજુએ 0.5 મીટરની કર્વ શાઇનેસ (Kerb Shyness) પણ આપવામાં આવી છે. સુપરસ્ટ્રક્ચર માટે સેગમેન્ટલ પ્રકારના PSC Box Girderનો ઉપયોગ કરવામાં આવશે. આ બ્રિજનું મુખ્ય આકર્ષણ તેના બે પાયલોન છે, જે દરેક 45 મીટર ઊંચા હશે (નદીના મહત્તમ પાણીના સ્તર-FRL થી ઉપર). પાયાની મજબૂતી માટે 1800 મીમી વ્યાસના પાઈલ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવામાં આવશે.અપ્રોચ પોર્શનમાં કેબલ સ્ટે પોર્શનને જમીન સાથે જોડતા 'અપ્રોચ પોર્શન'ની કુલ લંબાઈ 120 મીટર છે. આ લંબાઈને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે: A1 બાજુએ 40 મીટર અને A2 બાજુએ 2 × 40 મીટર. મુખ્ય બ્રિજની જેમ જ, આ અપ્રોચની કુલ માર્ગ પહોળાઈ પણ 22.700 મીટર અને મુખ્ય માર્ગ પહોળાઈ 8.5 મીટર રહેશે, જેમાં 4 ટ્રાફિક લેન અને બંને બાજુએ ફૂટપાથની સુવિધા ઉપલબ્ધ હશે. સુપરસ્ટ્રક્ચર માટે આ ભાગમાં પણ PSC Box Girderનો ઉપયોગ થશે. સબસ્ટ્રક્ચર બાંધકામમાં એબટમેન્ટ્સ માટે RCC Return Type Abutments અને પિયર માટે ૩૫૦૦ મીમી વ્યાસના RCC Column Pierનો ઉપયોગ કરાશે, જેની ઉપર RCC Piercap લગાવવામાં આવશે. અપ્રોચ પોર્શનના પાયા માટે 1200 મીમી વ્યાસના પાઈલ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવામાં આવશે. આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થવાથી લીલાપર, રવાપર તેમજ સામાકાંઠે ભડિયાદ અને નઝબાગ વિસ્તારના રહેવાસીઓને અવર જવરમાં સરળતા રહેશે. અને મોરબી શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાશે.ઉલ્લેખનીય છે કે અગાઉ જુલાઈ મહિનામાં પણ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારને જોડતા બ્રિજ સરકારે મંજુર કર્યો હતો. શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી પર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા બ્રિજ માટે સરકારે રૂ.39.38 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.