ઓનલાઈન ટોકન સિસ્ટમની વ્યવસ્થા : સોશ્યલ ડિસન્ટન્સ જળવાઈ રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરાઈ મોરબી : મોરબીમાં સબ રજીસ્ટાર કચેરીની કામગીરી શરૂ કરવાની પ્રક્રિયાનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં મોરબી જિલ્લાના માળીયા, વાંકાનેર, હળવદ તાલુકાઓમાં આજથી સબ રજિસ્ટ્રાર કચેરી ચાલુ કરવામાં આવી છે. જ્યારે મોરબી જિલ્લામાં જ્યાં સૌથી વધુ દસ્તાવેજોની નોંધણી થાય છે. તે મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં બુધવારથી દસ્તાવેજોની નોંધણીની કામગીરી શરૂ થશે. મોરબી સબ રજિસ્ટ્રાર એ.એચ.બુચએ વિગતવાર માહિતી આપી હતી કે સરકારની સૂચના પ્રમાણે શરતોને આધીન મોરબીમાં સબ રજિસ્ટ્રાર કચેરી શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પોલીસ બંદોબસ્ત અને સોશ્યલ ડિસ્ટન્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલ બુધવારથી મોરબીમાં સબ રજિસ્ટ્રાર કચેરીની કામગીરીનો પ્રારંભ થશે અને દસ્તાવેજોની નોંધણી માટે ઓનલાઈન પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી છે. જેમાં અરજદારોને દસ્તાવેજોની નોંધણી માટે ઓનલાઈન ટોકન લેવા પડશે. ઓનલાઈન ટોકન મેળવ્યા બાદ નિયત સમયે અરજદારોને આ કચેરીએ પહોંચીને દસ્તાવેજોની નોંધણીની કામગીરી કરવાની રહેશે. જેથી, ભીડનું જોખમ ટાળી શકાય. જોકે મામલદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીનો એક જ ગેટ હોવાથી બન્નેના અરજદારો ભેગા ન થાય અને સોશ્યક ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે સબ રજિસ્ટ્રાર કચેરીના પાછળનો દરવાજો ખુલ્લો કરી ત્યાં જ અરજદારો પોતાની કામગીરી કરાવવા આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ કચેરીમાં ભારે ભીડ થતી હોય સલામતી માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આ રીતે ઝડપી રીતે અને યોગ્ય રીતે કામગીરી થાય તેવી સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.