મોરબી નગરપાલિકા સમસ્યા સર્જન કચેરી બનતા હવે દર બુધવારે પ્રાદેશિક કમિશનર પ્રશ્નો સાંભળશેમોરબી : અંધેર નગરીને ગંડુ રાજા ઉક્તિ મુજબ મોરબીમાં ઉભરાતી ગટરો, રસ્તે રઝળતા ઢોર, ગંદુ પાણી વિતરણ, સફાઈની સમસ્યા, તૂટેલા રોડ સહિત કોઈને કોઈ પ્રશ્ને નાગરિકો રોજે રોજ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી રહ્યા છે ત્યારે ચીફ ઓફિસર, વહીવટદાર, કલેકટર, ધારાસભ્ય બાદ હવે પ્રાદેશિક નગરપાલિકા કમિશનરે દર બુધવારે લોકપ્રશ્નો સાંભળવા માટે મોરબી પાલિકા કચેરીએ બેસશે તેવું જાહેર કરી લોકોને સાંભળ્યા હતા, બીજી તરફ આજે પ્રાદેશિક કમિશનરની હાજરી વચ્ચે પણ ગુટલીબાજોની ગેરહાજરી ઉડીને આંખે વળગતા નગરપાલિકાના ગુટલીબાજોની ગંભીર નોંધ લેવામાં આવી હતી.મોરબી પાલિકામાં છેલ્લા બે માસથી સમસ્યાઓની ફરિયાદો વધી છે. ખાસ કરીને શહેરમાં ભૂગર્ભ ગટર, લાઈટ, પાણી સહિતના પ્રશ્ને કોઈને કોઈ વિસ્તારનું ટોળું પાલિકામાં દરરોજ હલ્લાબોલ મચાવે છે. એક પણ દિવસ ટોળા વગરનો ગયો નહિ હોય ત્યારે લોકોની ફરિયાદોનો નિવારણ થાય એ માટે જિલ્લા કલેકટર, રિજનલ કમિશ્નર અધિક કલેકટર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડે. કલેકટર અને ધારાસભ્યોએ જુદા જુદા દિવસે પાલિકામાં હાજર રહી લોકોના પ્રશ્નો સાંભળવા માટે નક્કી કરવામાં આવ્યું હતું જેમાં ગઈ કાલે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ પાલિકામાં બે કલાક સુધી બેસી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને પાલિકાના કર્મચારીઓને આ પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ કરવા તાકીદ કરી હતી.બીજી તરફ આજે બુધવારે રાજકોટ રિજિયોનલ કમિશ્નર મહેશ જાનીએ પાલિકામાં બેસી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને દરેક વિભાગની મુલાકાત લીધી હતી અને તમામને આવેલ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા અને લોકોના પાયાના પ્રશ્નોને પ્રાધાન્ય આપી ઝડપથી નિકાલ કરવા જણાવ્યું હતું તેમજ પાલિકામાં સરકારે ફાળવેલી વણ વપરાયેલી કરોડોની ગ્રાંટો પડી છે. તેનું ઝડપથી આયોજન કરી જરૂરી પૂર્તતા કરી રિજનલ કમિશનર કચેરીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત મોટા બાકીદારોનો વેરો વસૂલવા પણ આયોજન કરવા તાકીદ કરી હતી.વધુમાં પ્રાદેશિક કમિશનર જાનીએ જણાવ્યું હતું કે, મોરબીમાં આઇકોનિક રોડ અને એક પેડ માં કે સ્કીમ નામની જગ્યા નક્કી કરવા આયોજન કરવા સૂચના આપવામાં આવી છે સાથે જ ભૂગર્ભ ગટરના પ્રશ્ન ઉકેલવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે તેમ જણાવી ટેન્ડર પ્રક્રિયા બાદ ઝડપથી ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવામાં આવશે તેમ ઉમેરી કોઈ પણ અરજદારને પ્રાદેશિક નગરપાલિકા નિયામક કચેરીના લગતા પ્રશ્નો હોય કે પાલિકાના પ્રશ્નો હોય તો દર બુધવારે તેઓ પાલિકામાં બેસી અરજદારોને સાંભળશે તેવું જણાવ્યું હતું. નોંધનીય છે કે, રિજિયોનલ કમિશ્નરની મુલાકાત વખતે પણ પાલિકાના ઘણા કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા જે ની સામે કડક પગલાં તોળાઈ રહ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.