ટંકારા : આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આગેવાનીમાં વીજલાઈનના પ્રશ્ને ટંકારામાં ખેડૂતોની મહાસભાઈ યોજાઈ છે અને મહાસભા બાદ 300થી વધુ ખેડૂતો ટ્રેક્ટર સાથે રેલી સ્વરૂપે મોરબી કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવવાના છે. જો કે, ગત રાત્રે ખેડૂતોને જાણ કરવામાં આવી હતી કે આજે મોરબી જિલ્લા કલેક્ટર અન્ય કામ અર્થે બહાર હોવાથી ખેડૂતોને મળી શકશે નહીં. ત્યારે આ અંગે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ સરકાર સામે પ્રહારો કર્યા હતા.આ અંગે મહાસભા સ્થળે હાજર ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા સાથે મોરબી અપડેટ દ્વારા વાત કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વીજલાઈનના કારણે ગુજરાતના 20 જિલ્લા પ્રભાવિત છે. જેમાં મોરબી જિલ્લાના ખેડૂતો તંત્રને રજૂઆતો કરી હતી. જે મામલે 327 ખેડૂતોને કલેક્ટરે નોટિસ આપીને આજે બોલાવ્યા હતા અને આ ખેડૂતો આજે શાંતિપૂર્ણ રીતે ટ્રેક્ટર લઈને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જવાના છે. અગાઉ કચ્છ કલેક્ટર પણ રજા મૂકીને ભાગી ગયા હતા, આજે મોરબી કલેક્ટર પણ નથી તેવી જાણકારી મળી છે. તો સરકારને ખેડૂતોનો ડર લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમારી માગણી છે કે, 2013ના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણુ વળતર આપવામાં આવે. અન્ય રાજ્યની સરકાર આ નિયમ પાળે છે તો ગુજરાતમાં કેમ નહીં. જો હજુ પણ સરકાર નહીં સાંભળે તો આગામી દિવસોમાં 20 જિલ્લાઓના ખેડૂતોને સાથે રાખીને રેલી લઈને ગાંધીનગર સુધી જઈશું.આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમારી ચૂંટેલી સરકાર અમને કામ ન આવે તો શું કરવું. કંપની દ્વારા કોઈ ઓફિશિયલ નોટિસ પણ આપવામાં આવતી નથી અને ગેરકાયદે રીતે ખેતરમાં ઘુસીને કામ શરૂ કરવામાં આવે છે. સરકારે કંપની સાથે ચર્ચા કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવું જોઈએ. માળિયા તાલુકાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો કંપની અમારા ખેતરમાંથી વીજલાઈન કાઢવાના બદલે પાંચ કિલોમીટર દુર દરિયા કિનારેથી કાઢવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીન બચી શકે. સરકાર સાથે કોઈ વાંધો નથી પરંતુ વીજ કંપની દ્વારા જે મનમાની કરવામાં આવી રહી છે તેની સામે વાંધો છે.