ડી.વાય.એસ.પી. એ મૃતકના સમાજના આગેવાનો સાથે બેઠક કરીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા મૃતકના પરિવારનો લાશ સંભાળવા સમંત થયા હળવદ : હળવદના બ્રાહ્મણી ડેમમાં યુવાને ઝંપલાવીને આપઘાત કરી લીધાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં મૃતકના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઈડ નોટમાં એક પોલીસ મેનના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો ઉલ્લેખ કરતા મૃતકના પરિવારજનો રોષે ભરાયા હતા અને જ્યાં સુધી દોષિત પોલીસ મેન સામે ફરિયાદ નહિ થાય ત્યાં સુધી પોતાના પુત્રનો મૃતહેદ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ડીવાયએસપીએ દોડી જઈને મૃતકના સમાજના આગેવાનો સાથે બેઠક કરીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા મૃતકના પરિવારનો લાશ સંભાળવા સમંત થયા હોવાનું જાણવા મળે છે. હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા નીતિનગિરી વિનોદગિરી ગોસાઈ (ઉ.વ.34) નામના યુવાને ગઈકાલે હળવદ તાલુકાના સુંદરગઢ ગામ પાસે આવેલ બ્રાહ્મણી ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ યુવાનનો આજે વહેલી સવારે આ ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને કબ્જે કરીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે મૃતક યુવાને આપઘાત કરતા પહેલા શર્ટ અને ચપ્પલ ડેમના કાંઠે મુક્યા હતા. જેમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવાને એક પોલીસકર્મીના ત્રાસને કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. આ દરમિયાન યુવાનની લાશ હળવદની હોસ્પિટલમાં ખસેડતા મૃતકના પરિવારજનો અને સગા-સંબંધીઓ દોડી ગયા હતા અને આ પોતાના પુત્રને ધમકી આપી મરવા મજબૂર કરનાર પોલીસ મેન સામે તત્કાળ એફ.આઈ.આર. નોંધવાની માંગ કરી હતી. જો કે પોલીસે આ બનાવની એફ.એસ.એલ.ની તપાસ બાદ આગળ કાર્યવાહી થશે એવું કહેતા મૃતકના પરિવારજનોએ પોલીસ પર પણ આક્ષેપ કર્યા હતા. તેમજ જ્યાં સુધી આ બનાવ અંગે દોષિત સામે ફરિયાદ ન નોંધાઈ ત્યાં સુધી પરિવારજનોએ પોતાના પુત્રની લાશ સાંભળવાનો ઇનકાર કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આથી, ડીવાય.એસ.પી. રાધિકા ભારાઈ હળવદ ખાતે દોડી ગયા હતા. આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, આ બનાવને પગલે મૃતકના પરિવારજનો અને તેમના સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં તેમની માંગ મુજબ દોષિત સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ માંગણી સ્વીકારી લેતા મૃતકના પરિવારજનો પોતાના પુત્રની લાશનો કબ્જો લેવા તૈયાર થઈ ગયા હોવાનું જણાવ્યું હતું.