અમરેલી, જૂનાગઢ અને ગીરસોમનાથમાં મેઘરાજા ભુક્કા કાઢશે : મોરબી માટે યલો એલર્ટ મોરબી : રાજ્યમાં સાતમ-આઠમના તહેવારથી ફરી ચોમાસુ સક્રિય બન્યું છે ત્યારે આજથી આગામી બે દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલથી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ વરસવા અંગે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જયારે રાજકોટ , પોરબંદર, ભાવનગર અને દ્વારકા જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.સાથે જ મોરબી જિલ્લા માટે ભારે વરસાદનું યલોએલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં હાલમાં છ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેમાં અરબી સમુદ્ર ઉપર અપર એર સર્ક્યુલેશન છવાયું હોવાથી આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હોય રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ભાવનગર અને દ્વારકા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.વધુમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે વીજળીના કડાકા ભડાકા સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દક્ષિણ ગુજ્રરાતમાં દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી યલો એલર્ટ જાહેર કર્યું છે.આ ઉપરાંત ગુરુવારે પણ સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં ભારે વરસાદ પડવા અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.