શ્રાવણ મહિનામાં લોકો ફરાળ કરતાં હોય છે. ઘણા લોકો આખો શ્રાવણ માસ ઉપવાસ કરતાં હોય છે. ત્યારે ઉપવાસ દરમિયાન દરરોજ ફરાળમાં શું ખાવું તે અંગે મુંજવણ અનુભવતા હોય છે. ઘણા લોકોને ફરાળમાં ગળ્યું ખાવાની પણ ઈચ્છા થતી હોય છે. તો આવા લોકો માટે અમે એક સરસ મજાની ટેસ્ટી રેસિપી લઈને આવ્યા છીએ. આ સ્વીટ ડિશનું નામ સાંભળીને જ તમારા મોંઢામાં પાણી આવી જશે. આ વાનગીનું નામ છે બટાકાનો શીરો.. આ શીરો તમે ઉપવાસના દિવસોમાં ખાઇ શકો છો. આ શીરો ખાવાની પણ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો બટાકાનો શીરો.. સામગ્રીઃ 300 ગ્રામ બટાકા, 1 વાટકી ખાંડ, બે મોટી ચમચી ઘી, ઇલાયચી, કાજુ, બદામ, દ્રાક્ષ, કેસર બનાવવાની રીતઃ બટાકાનો શીરો બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને ધોઇને કુકરમાં બાફવા મુકી દો. 4 થી 5 સીટી વગાડીને કુકર ઠંડુ પડે એટલે ચેક કરી લો કે બટાકા બફાઇ ગયા છે કે નહિં. જો બટાકા ના બફાયા હોય તો ફરીથી કુકર બંધ કરીને બેથી ત્રણ સીટી વગાડો. બટાકા બરાબર બફાઇ જાય એટલે એને મેશ કરી લો. બટાકા મેશ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે બટાકાના મોટા કટકા ના રહે. બટાકા તમારે બરાબર મેશ કરવાના રહેશે. હવે એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે મેશ કરેલા બટાકાને એમાં એડ કરો. આ શીરો બનાવતા ખાસ ધ્યાન એ રાખો કે તમારે આ શીરો ધીમા ગેસે બનાવવાનો રહેશે. 5 થી 7 મિનિટ રહીને આમાં ખાંડ નાંખો અને ધીમા ગેસે થવા દો. આ સમયે શીરાને સતત હળવા હાથે હલાવતા રહો. ખાંડ ઓગળી જાય એટલે કેસર નાંખો. કેસર નાંખીને એક વાર હલાવી લો અને પછી એમાં કતરેલી બદામ, કાજુ અને દ્રાક્ષ નાંખો. ત્યારબાદ આમાં ઇલાયચીનો પાઉડર નાંખો. ઇલાયચી તમારા શીરાના ટેસ્ટમાં વધારો કરે છે. તો તૈયાર છે બટાકાનો શીરો. આ શીરો ખાવામાં બહુ પૌષ્ટિક હોય છે, જેમાંથી તમને આખા દિવસની સ્ટેમિના મળી રહે છે.