મોરબી : ચોમાસાની સિઝન ચાલી રહી છે. ચોમાસામાં મકાઇ, ભજીયા ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. વરસાદના વાતાવરણમાં ચટાકેદાર વસ્તુઓ ખાવાની મજા પડી જાય છે. તો આજે અમે તમને એક એવી રેસિપીની વાત કરીશું જે ફટાફટ બની જશે અને વરસાદી વાતાવરણમાં ખાવાની પણ મજા આવશે. આ વાનગીનું નામ છે મસાલા કોર્ન. તો જાણો મસાલા કોર્ન કેવી રીતે બનાવશો. સામગ્રીઃ 2 કપ કોર્ન, ½ ટીસ્પૂન ગરમ મસાલો, અડધા લીંબુનો રસ, 4 ટી.સ્પૂન માખણ, લાલ મરચું, ચાટ મસાલો, 3 કપ પાણી, સ્વાદાનુંસાર મીઠું.. બનાવવાની રીત : મસાલા કોર્ન બનાવવા માટે સૌ પ્રથમ મિડીયમ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મુકો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે એમાં કોર્ન નાંખીને 5 મિનિટ માટે થવા દો. પછી મકાઇને બહાર કાઢીને ચેક કરો. જો મકાઇ કાચી લાગે તો તમે ફરી 10 મિનિટ માટે બાફવા મુકો. ત્યારબાદ એમાં મીઠું નાખો અને 6-7 મિનિટ માટે ફરીથી ઢાંકીને થવા દો. હવે 10 મિનિટ રહીને ગેસ બંધ કરી દો. હવે મિડીયમ ગેસ પર પેન મુકો અને એમાં માખણ એડ કરો. માખણ પીગળી જાય એટલે એમાં કોર્ન નાંખો અને એક મિનિટ સુધી થવા દો. પછી એમાં ગરમ મસાલો, ચાટ મસાલો, લાલ મરચું અને જરૂર પડે એમ મીઠુ નાંખીને 3 થી 4 મિનિટ સુધી થવા દો. હવે 5 થી 7 મિનિટ રહીને ગેસ બંધ કરી દો અને એમાં લીંબુ નીચોવીને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે ગરમા ગરમ મસાલા કોર્ન.