મોરબી : નવરાત્રિ નજીક આવી રહી છે. નવરાત્રિમાં લોકો માતાજીની આરાધના કરવાની સાથે ઉપવાસ પણ કરતાં હોય છે. 9 દિવસ ઉપવાસ દરમિયાન દરરોજ ફરાળમાં શું જમવું તે પણ નક્કી કરવું અઘરું બની જતું હોય છે. ત્યારે ફરાળ માટેની એક અનોખી વાનગી અમે તમારા માટે લઈને આવ્યા છીએ. જેનું નામ છે સાબુદાણાની ચાટ.. તો આવો જાણીએ કેવી રીતે બનાવીશું સાબુદાણાની ચાટ.. સામગ્રીઃ સાબુદાણા 1 વાટકી, બાફેલા 1 બટેટા, લીલા મરચા 2, ઘી કે તેલ પણ લઈ શકાય, રોક મીઠું, દહીં, કાકડી, ટામેટા, લાલ મરચું.. બનાવવાની રીતઃ સાબુદાણાની ચાટ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં સાબુદાણા ઉમેરો. સાબુદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી રાંધતા રહો. આ પછી, સાબુદાણાને એક અલગ વાસણમાં કાઢી, પેનમાં ઘી ફરીથી ગરમ કરો, બાફેલા બટાકાના નાના ટુકડા કરો અને ઉમેરો. ત્યાર બાદ તેમાં શેકેલા સાબુદાણા નાખો. હવે તેમાં મીઠું અને લીલું મરચું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જ્યારે સાબુદાણા તપેલીના તળિયે ચોંટવા લાગે તો સમજવું કે તે પાકી ગયો છે. હવે સાબુદાણાને અલગ પ્લેટમાં કાઢી તેની ઉપર દહીં, સમારેલી કાકડી અને ટામેટા ઉમેરીને સાબુદાણા ચાટ તૈયાર કરો.