મોરબી : મહિલાઓ ઘરના સભ્યોને કંઈક ને કંઈક અલગ વાનગી બનાવીને ખવડાવવાનું પસંદ કરતી હોય છે. ત્યારે આજે અમે લઈને આવ્યા છીએ આવી જ એક રેસિપી. જે ઘરે ઝડપથી બની જશે અને ઘરના નાના બાળકોથી માંડીને મોટેરા સુધીના તમામને ખૂબ જ પસંદ આવશે. આ રેસિપીનું નામ છે ગોલ્ડન ચીઝ બોલ્સ. તો આવો જાણીએ કેવી રીતે બનાવીશું ગોલ્ડન ચીઝ બોલ્સ. સામગ્રીઃ 3 ચમચી બટર, બે કપ મેંદો, ½ કપ હુંફાળુ દૂધ, બે ચમચી કોર્ન, બે ચમચી ચીઝ, કોથમીર, સ્વાદાનુંસાર મીઠું, ½ ચમચી કાળા મરી, ઝીણી સમારેલી ડુંગળી, બે કપ બ્રેડના ટુકડા, જરૂર મુજબ તેલ.. બનાવવાની રીતઃ ચીઝ બોલ્સ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં બટર એડ કરો. પછી આમાં મેંદો મિક્સ કરો અને ધીમા ગેસે થોડીવાર માટે શેકી લો. ત્યારપછી આમાં ધીરે-ધીરે દૂધ મિક્સ કરો. દૂધ મિક્સ કરતા ખાસ ધ્યાન એ રાખો કે આમાં ગઠ્ઠા ના પડી જાય. હવે આમાં કોર્ન, ચીઝ, કોથમીર, ડુંગળી, મીઠું અને કાળા મરી એડ કરો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી એને થવા દો. દૂધ ઠંડુ થાય એટલે એમાંથી મિડીયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લો. પછી બાઉલમાં મેંદો, મીઠુ અને થોડુ પાણી લઇને એક ખીરું તૈયાર કરી લો. ત્યારબાદ ચીઝ બોલ્સને મિશ્રણમાં એડ કરીને બ્રેડના ચુરામાં મિક્સ કરીને ફ્રિજમાં મુકી દો. હવે એક કડાઇમાં તેલ ગરમ કરો અને એમાં આ બોલ્સ તળી લો. ગોલ્ડન રંગના થાય એટલે તેલમાંથી કાઢી લો અને ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે સ્વાદિષ્ટ ગોલ્ડન ચીઝ બોલ્સ.