મોરબી : તહેવારો નજીક આવી ગયા છે. જેમાં લોકો એકબીજાના ઘરે જઈ વિવિધ ફેસ્ટિવલ ઉજવશે. ખાસ કરીને રક્ષાબંધનના તહેવારે દરેક લોકોના ઘરે મહેમાન આવતા હોય છે. ત્યારે ઘરે આવતા મહેમાનને મોં મીઠું કરાવવું એ આપણી ફરજ હોય છે. તો આજે અમે તમારા મહેમાનો માટે અને ભગવાનને પ્રસાદ ધરાવવા માટે એક મસ્ત રેસીપી લઈને આવ્યા છીએ. આ રેસિપી એટલે ગુજરાતની ફેમસ બાસુંદી. જે તમે ઘરે આસાનીથી બહાર જેવી જ બનાવી શકશો. તો નોંધી લો બાસુંદી બનાવવાની સરળ રીત... સામગ્રી:- 2 લીટર દૂધ એક કપ બદામ એક કપ કાજુ એક કપ પીસ્તા 5 ચમચી ખાંડ એક ચમચી કેસર બે ચમચી જાયફળ એક ચમચી ઇલાયચી પાઉડર બનાવવાની રીત:- બાસુંદી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટું વાસણ લો અને એમાં દૂધ કાઢો. ત્યારબાદ આ દૂધને પહેલા ફુલ ગેસે ઊભરો લાવો અને પછી ગેસ ધીમો કરી દો. જ્યારે દૂધ ઘટ્ટ થઇ જાય અને ઉકળી જાય એટલે એમાં ખાંડ નાંખો અને દૂધને થવા દો. બાસુંદી ઘટ્ટ હોય એટલે તમારે દૂધને થોડુ ઉકળવા દેવું જેથી કરીને ટેસ્ટમાં મસ્ત બને. ખાંડ નાંખ્યાના 10 મિનિટ પછી ઇલાયચી પાઉડર, કેસર અને જાયફળ નાંખો અને 10 મિનિટ માટે થવા દો. ત્યારબાદ આ દૂધમાં બદામ, પિસ્તા અને કાજુ નાંખો અને 5 મિનિટ માટે થવા દો. ડ્રાયફ્રૂટ્સ નાંખ્યા પછી 5 મિનિટ રહીને ગેસ બંધ કરી દો. તો તૈયાર છે બાસુંદી.. આ બાસુંદીને હવે તમે ગરમાગરમ સર્વ કરો. આ બાસુંદીને તમે ફ્રિજમાં પણ મુકી શકો છો. જો તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઘરે બાસુંદી બનાવશો તો ટેસ્ટમાં બહાર જેવી જ બનશે અને તમારા મહેમાન પણ ખુશ થઇ જશે. બાસુંદી ઘટ્ટ બનાવવી જેથી કરીને ટેસ્ટમાં બહાર જેવી જ બને. ઘણાં લોકો દૂધને ઉકાળતા હોતા નથી જેના કારણે બાસુંદી પાતળી બને છે અને ટેસ્ટમાં સારી પણ લાગતી નથી.