વરસતા વરસાદમાં ભજીયા, પકોડા, દાળવડા વગેરે ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. વરસાદની સિઝન ચાલુ થતા જ દરેકના ઘરમાં આવી બધી વાનગીઓ બનવા લાગે છે. તો આજે આપણે પણ આવી જ એક વાનગીની રેસિપી શીખીશું. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ડુંગળીના પકોડાની. તો ફટાફટ નોંધી લ્યો ક્રિસ્પી ડુંગળીના પકોડા બનાવવાની રીત.. સામગ્રી:- 4 થી 5 લાંબી કાપેલી ડુંગળી ચણાનો લોટ ચોખાનો લોટ લાલ મરચું બેકિંગ સોડા ઝીણા સમારેલા લીલા મરચા તેલ મીઠું ચપટી કાળા મરીનો પાઉડર ચાટ મસાલો બનાવવાની રીત:- ડુંગળીના પકોડા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લો અને એમાં લાંબી કાપેલી ડુંગળી નાંખો. ત્યારબાદ આ બાઉલમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ એડ કરો. લોટ નાંખ્યા પછી લાલ મરચું, બેકિંગ સોડા, લીલા ધાણા અને મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લો. જો તમે ઇચ્છો તો આમાં વરિયાળી પણ નાંખી શકો છો. બજારમાં ઘણી બધી જગ્યાએ ડુંગળીના પકોડામાં કાચી વરિયાળી નાંખેલી હોય છે. હવે આ મિશ્રણને 10 થી 15 મિનિટ માટે એમ જ રહેવા દો. પછી આમાં થોડુ-થોડુ પાણી નાંખતા જાવો અને ખીરું તૈયાર કરતા જાવો. આ ખીરાને બરાબર એક સાઇડમાં 5 થી 7 મિનિટ માટે હલાવો જેથી કરીને મસાલો બરાબર બેસે. ખીરું બનાવતા વખતે ખાસ ધ્યાન એ રાખો કે ખીરું બહુ પાતળુ ના થઇ જાય. જો ખીરું પાતળુ હશે તો પકોડા બરાબર બનશે નહિં. હવે એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય એટલે હાથમાં ખીરું લઇને પકોડા ઉતારો. આછા બ્રાઉન રંગના થાય એટલે ઝારાની મદદથી બહાર કાઢી લો અને એક પ્લેટમાં લઇ લો. તો તૈયાર છે ડુંગળીના પકોડા. આ પકોડા વરસાદની સિઝનમાં ખાવાની બહુ જ મજા આવે છે. જો તમે આ રીતે પકોડા બનાવશો તો છુટ્ટા બનશે અને ટેસ્ટમાં પણ મસ્ત લાગશે.