સુપ્રસિદ્ધ જ્યોતિષવિદ શાસ્ત્રી જિજ્ઞેશભાઈ પંડ્યાની કલમે દર મંગળવારે અઠવાડિક રાશિ ભવિષ્ય પ્રસિદ્ધ કરાશે મોરબી : ગુજરાતી નૂતન વર્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે મોરબી અપડેટના વાંચકોને ભેટ સ્વરૂપે સુપ્રસિદ્ધ જ્યોતિષવિદ શાસ્ત્રી જિજ્ઞેશભાઈ પંડ્યાની કલમે દર મંગળવારે અઠવાડિક રાશિ ભવિષ્ય પ્રસિધ્ધ કરવામાં આવશે. અઠવાડિક રાશિ ભવિષ્યમાં વાંચકો પોતાની ચંદ્ર રાશિ મુજબ આખા અઠવાડિયાનું ભવિષ્ય જાણી શકશે. વાંચકો રાશિ ભવિષ્યના આધારે અઠવાડિયા દરમિયાનના સારા-ખરાબ દિવસો વિષે માહિતી મેળવી શકશે. જેથી, વાંચકો અઠવાડિયું કેવું પસાર થશે તેવી જિજ્ઞાષાને સંતોષી શકશે. તેમજ આવનારા અઠવાડિયા વિષે જાણ થવાથી તે માનસિક રીતે તૈયાર રહી શકશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુલ 12 રાશિઓ હોય છે - મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન. દરેક રાશિની મૂળ લાક્ષણિકતા પ્રમાણે તથા જ્યોતિષી ગણતરીઓ અને જ્યોતિષવિદ્યાના આધારે શાસ્ત્રી જિજ્ઞેશભાઈ પંડ્યા દ્વારા લિખિત અઠવાડિક રાશિ ભવિષ્ય વ્યક્તિની પ્રાથમિકતાઓ, જરૂરિયાતો અને ખામીઓ વિશે અનુમાન લગાવવામાં મદદરૂપ થશે. સુપ્રસિદ્ધ જ્યોતિષવિદ્ ભવિષ્યવેતા ભાગવતાચાર્ય જ્યોતિષાચાર્ય જિજ્ઞેશભાઈ પંડ્યાએ અંબાજી સંસ્કૃત પાઠશાળા તેમજ કાશી ક્ષેત્રમાં 7 વર્ષમાં પૂર્ણ અભ્યાસ કરી તેમને જ્યોતિષ ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવેલી છે. શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડયાની સિદ્ધિઓ અને સચોટ ફળકથનને વ્યાપકપણે પ્રશંસા, સ્વીકૃતિ અને સન્માન મળ્યા છે. તેઓએ એસ્ટ્રોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા જગન્નાથપુરીમાં ગોવર્ધન પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્યજી દ્વારા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. કાશી ક્ષેત્રમાં આર્યભટ્ટ જ્યોતિષ શાસ્ત્ર વિશારદની ઉપાધિથી કાશીના જ્યોતિષીઓ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીજી જ્યોતિષ વિજ્ઞાન સમિતિ વારાણસી કાશીના આજીવન સદસ્ય પણ છે. શાસ્ત્રીજીને વર્ષ 2005માં ઇન્ટરનેશનલ લોજિકલ ગ્લોબલ કોન્ફરન્સમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા વિશ્વ જ્યોતિષ બ્રહ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલ છે. તેમજ શાસ્ત્રીજીને કર્મકાંડ ભૂષણ, કર્મકાંડ કોવિંદ, કર્મકાંડ વિશારદ, વાસ્તુવિદ, વાસ્તુમાર્તન્ડ જેવી અનેકવિધ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મોરબી અપડેટના વાંચકો પણ શાસ્ત્રી જિજ્ઞેશભાઈ પંડ્યાની જ્યોતિષ વિદ્યાનો લાભ દર મંગળવારે સાપ્તાહિક રાશિ ભવિષ્ય થકી પ્રાપ્ત કરી અઠવાડિયું કેવું રહેશે તે જાણી પોતાની જીજ્ઞાશા સંતોષી શકશે.